Published By : Disha PJB
આ લેબને સમગ્ર દેશમાં ખોરાક અને ઔષધના નમુનાઓનું પૃથ્થક્કરણ માટે સરકાર હસ્તકની મોટામાં મોટી પ્રયોગશાળાનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે. દેશમાં દવાઓના ઉત્પાદનમાં રાજ્યનો ફાળો ૩૩ ટકા છે. આઝાદી પૂર્વે વડોદરાના રજવાડાના સમયમાં ડ્ર્ગ્સ લેબોરેટરી સ્થપાયેલ આ પ્રયોગશાળાને સમયની માંગ આધારીત નવીન સ્વરૂપ આપવામાં આવ્યું છે.
રાજકોટ અને ભુજ બાદ આ પ્રકારની અત્યાધુનિક ફુડ એન્ડ ડ્રગ્સની લેબ વડોદરામાં કાર્યરત બનશે. આમ હાલ રાજ્યમાં ફુડ એન્ડ ડ્રગ્સના લેબની સંખ્યા ત્રણ થશે.
વધુમાં ગુજરાતના દક્ષિણ વિસ્તારના સુરત ખાતે નવી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની નવીન પ્રયોગશાળાનું પણ નિર્માણ થવા જઈ રહ્યું છે .જેના થકી ખોરાક અને દવાના નમુનાની ચકાસણીમાં વધારો થશે તેમજ ચકાસણી સમયમાં પણ ઘટાડો થશે જેના થકી જાહેર આરોગ્યને સાચવવામાં વધુ સફળતા મળશે. સુરત ખાતેની આ નવિન લેબોરેટરી ટૂંક સમયમાં નિર્માણ પામશે.
વડોદરા ખાતે લોકાર્પણ થનાર લેબ ૧૬૦૦૦ ચો.મીટરથી વધુનો વિશાળ વિસ્તાર ધરાવતા દસ માળના અત્યાધુનિક બિલ્ડીંગમાં નિર્માણ પામેલ છે.
પ્રવર્તમાન સમયમાં પણ આ પ્રયોગશાળામાં ગુજરાત રાજ્યના ખોરાક અને ઔષધના નમુના ઉપરાંત, ઝારખંડ રાજ્ય, કેંદ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, વેસ્ટર્ન રેલ્વે તરફથી આવતાં ખાદ્ય પદાર્થના નમુના, Prohibition અને Excise ડીપાર્ટમેન્ટના નમૂનાઓ, રાજ્યની હોસ્પિટલ સપ્લાયના ઔષધના નમુના, ICDS યોજના અંતર્ગત ખોરાકના નમુનાઓ પણ ચકાસવામાં આવે છે.
આ પ્રયોગશાળાનો હાલનો કાર્યભાર વધતા આગામી ૫૦ વર્ષોની જરૂરીયાતો, આધુનિક ઉપકરણો માટેની વિશાળ જગ્યા તથા NABLના ધારાધોરણો તેમજ સરકારના પ્રવર્તમાન ગ્રીન બિલ્ડીંગ હેતુ સાકાર થઇ શકે તે રીતે આ નવીન કેમ્પસનું માસ્ટર પ્લાનીંગ કરવાની વિચારણાને સરકાર દ્વારા અમલમાં મૂકીને આ નવીન લેબનું નિર્માણ કરવામાં આવ્યું છે.
અત્રે નોંધનીય છે કે, ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં તેના ફાર્મા ઉદ્યોગમાં આગવું સ્થાન ધરાવે છે . Food Processing દ્વારા ગુણવત્તાયુક્ત ખોરાકના ઉત્પાદન અને તેના નિકાસમાં પણ ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. જેના પરિણામે ઉત્પાદન ક્ષમતા અને તેના ટેસ્ટીંગમાં પણ સમગ્ર દેશમાં ગુજરાતે આગવી ઓળખ ઉભી કરેલ છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના ભરૂચમાં બલ્ક ડ્રગ્સ પાર્ક બનાવવા માટે રૂ. ૧૦૦૦ કરોડની મંજૂરી આપી છે. જેના નિર્માણ થતા રાજ્યમાં ફાર્મા ક્ષેત્રને વેગ મળશે.
ઇનપુટ : દિગ્વિજય પાઠક, વડોદરા.




