Published by : Rana Kajal
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર મહિને ૧૭ કરોડ જેટલી રકમ વીજબીલ ભરવા માટે ચૂકવવામા આવે છે.બીજી તરફ વિન્ડ પાવર પ્રોજેકટ પોલીસી હેઠળ તંત્ર દ્વારા કચ્છના નખત્રાણા તેમજ જામજોધપુર ખાતે વિન્ડ પાવરની મદદથી વીજ યુનિટ જનરેટ કરવા નાખવામાં આવેલા પ્લાન્ટથી ૧૮૦ મિલીયન વીજ યુનિટનું ઉત્પાદન કરી રુપિયા ૧૨૪ કરોડની બચત કરી છે.નખત્રાણા ખાતે ત્રણ અને જામજોધપુર ખાતે એક એમ કુલ ચાર વિન્ડ પાવર પ્રોજેકટ તંત્ર દ્વારા કાર્યરતકરવા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી રુપિયા ૧૪૫ કરોડનુ મૂડી રોકાણ કરવામા આવ્યુ છે.
રાજય સરકાર દ્વારા જાહેર કરવામા આવેલી વિન્ડ પાવર પ્રોજેકટ પોલીસી અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ રાજયમા અલગ અલગ સ્થળોએ વિન્ડ પાવર પ્લાન્ટ સ્થાપિત કરી વીજ યુનિટનુ ઉત્પાદન કરવા નિર્ણય કરવામા આવ્યો હતો. વર્ષ-૨૦૧૬ના જુન મહિનામા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કચ્છના નખત્રાણા ખાતે ૪.૨ મેગાવોટ ક્ષમતા ધરાવતો વિન્ડ પાવર પ્લાન્ટ સ્થાપવામા આવ્યો હતો.આ પછી બીજા જ વર્ષે ડીસેમ્બર-૨૦૧૭માં નખત્રાણા ખાતે વધુ એક વિન્ડ પાવર પ્લાન્ટ ૪.૨ મેગાવોટ ક્ષમતાનો સ્થાપવાનો નિર્ણય તંત્ર તરફથી લેવામા આવ્યો હતો.આ બે પ્લાન્ટને મળેલી સફળતા બાદ વર્ષ-૨૦૧૯ના મે મહિનામા નખત્રાણા ખાતે ૪.૨ મેગાવોટ ક્ષમતા ધરાવતો ત્રીજો વિન્ડ પાવર પ્લાન્ટ શરુ કરવામા આવ્યો હતો. વર્ષ-૨૦૨૦-૨૦૨૧માં રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે મ્યુનિ.તંત્રને સોલારરુફ ટોપ અને વિન્ડ પાવર પ્રોજેકટના માધ્યમથી અંદાજે ૪૪ કરોડની બચત થતા જામજોધપુરના જામવાડી ખાતે હોથાજી ખડબા ખાતે ૮.૪ મેગાવોટ ક્ષમતા ધરાવતો ચોથો વિન્ડ પાવર પ્લાન્ટ સ્થાપિત કરાયો હતો.આમ પાંચ વર્ષમા કુલ ચાર વિન્ડ પાવર પ્લાન્ટ સ્થાપિત કરીને કુલ ૧૨૪ કરોડની બચત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાઈ છે.