ઋષિ દવે : બીજી મા સિનેમા
Published By : Aarti Machhi
આપણા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની બાયોપિક ફિલ્મ ‘મૈં અટલ હૂં’ જોઈ. દેશભરમાં રામોત્સવ ઉજવાય રહ્યો છે અયોધ્યામાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આપણે સૌ સાક્ષી બન્યા છીએ, ત્યારે ‘મૈં અટલ હૂં’ ફિલ્મમાં અખિલ ભારતીય જનસંઘની સ્થાપના બાદ બલરામપુર બેઠક પરથી જીતીને લોકસભામાં પ્રવેશ, દર્શકોને કરતલધ્વનિ કરવા પ્રેરે છે.

અટલો કહીને ઘરમાં મા બાપ બોલાવે, ‘કવિતા પાઠ પ્રતિયોગિતા’માં માઇક સામે અટલો એક શબ્દ પણ બોલ્યા વગર શરમનો માર્યો ઘર તરફ દોટ મૂકે. પિતા એના ખભે હાથ મૂકી શીખ આપતા કહે અટલા, ગોખણપટ્ટી છોડ, ભાષણના મુદ્દા સમજીને, સામે બેઠેલા સભાગૃહમાં એકેએકની સામે નજર મીલાવીને બોલ, આત્મવિશ્વાસ છલોછલ કેળવાશે.પિતાની આ શિખામણ અટલાએ આત્મસિદ્ધ કરી, જેને કારણે અટલ બિહારી વાજપેયીનો કવિતા પ્રેમ અને એમના ભાષણો આજે પણ સાંભળવા ગમે છે, જે ‘મૈં અટલ હૂં’ ફિલ્મમાં અંતે પડશે અને એમનું સમગ્ર જીવન અને અલભ્ય તસવીર વિશ્વભરના મહાનુભાવો સાથે દર્શાવાશે.
અંગ્રેજોની જોહુકમી સામે રાષ્ટ્રીય સ્વયં સેવકના સૈનિક તરીકે બંડ પોકારતા અટલજી બોલી ઊઠે છે ‘યે ભારત કી ધરતી હૈ, જો કુછ ભી હૈ વહ ભારત કા હૈ’. રાષ્ટ્રધ્વજની વચ્ચે ‘રેટિયો’ વાળા ધ્વજને અંગ્રેજોનો ધ્વજ ઉતારી ફરકાવી દેવો, ‘રાષ્ટ્રધર્મ’ અખબારના સંપાદક બનવું. આઝાદીમાં તીખાતમતમતા લેખો દ્વારા સમગ્ર ભારતમાં ઝેહાદ જગાવવી અને આર.એસ.એસના મોભીઓના આકસ્મિક મૃત્યુ થતા આખરે અટલ બિહારી વાજપેયી પર કળશ ઢોળાય. લાલકૃષ્ણ અડવાણી સામે ચાલીને મળે, બંનેની મિત્રતા ગાઢ બનતા એક દિવસ અડવાણીના આગ્રહને વશ થઈ રાજેન્દ્ર કુમાર અને વૈજયંતિમાલાની “સાથી” ફિલ્મ જોવા જાય ત્યારે અડવાણી અટલજીને પૂછે ફિલ્મમાં શું જોવાનું ગમે ? અટલ બિહારી વાજપેયી જવાબ આપતા કહે એક મોટા પડદા પર સુખ, સંપત્તિ દેખાડે છે. જે પામવાની દરેક દર્શકની તીવ્ર ઈચ્છા હોય છે, આપણે લોકસેવક છીએ આપણું પણ એ જ કર્તવ્ય છે. ઈમાનદારી પૂર્વક પ્રજાના દુઃખ, દર્દ, મુશ્કેલીઓનો ઉકેલ લાવવો, મારો દેશ સર્વોપરિ છે. મારી અંગત મુશ્કેલીઓ મારી છે એને ક્યારે પ્રાધાન્ય આપવું નહિ.

કોંગ્રેસ સત્તાપક્ષે છે, વિરોધપક્ષ તરીકે શાસક પક્ષની પ્રજાલક્ષી યોજનાઓ છેવાડાના માણસ સુધી પહોંચાડવાનું કામ આપણું છે. પાર્લામેન્ટમાં અટલજી બોલવા ઉભા થાય ત્યારે તેમનો વિરોધ કરનારા શાંત ચિત્તે એમને સાંભળતા. પૂરતા વિવેક સાથે વડાપ્રધાનને સાચી વાત કહેતા. પહેલીવાર એ લોકસભામાં બોલ્યા એ પછી પંડિત જવાહરલાલ નહેરુએ એમના સાથીદારને કહ્યું હતું. “One Day He Will be PM of India”
રથયાત્રા, કારગીલ યુદ્ધ, ચીન, પાકિસ્તાન સાથેના યુદ્ધ, ઇમરજન્સી, રાજકુમારી સાથે કોલેજકાળમાં ઉદભવેલું આકર્ષણ વિગેરે ફિલ્મના પડદા પર જોવાની જબરી મઝા પડશે. વાજપેયીજી વિશે ગર્વની લાગણી થશે. અટલ બિહારી વાજપેયી તરીકે પંકજ ત્રિપાઠીએ અભિનય કર્યો છે. પરકાયા પ્રવેશ કરીને તમને ક્યારેય એવું લાગે જ નહિ કે પંકજજી છે, સાક્ષાત અટલજી આપની સામે પ્રગટ થયા છે. એ અનુભૂતિ થયા વિના રહેશે નહિ. જય શ્રી રામ.