- દર રવિવારે ગુરુદ્વારામાં ગુરુ કા લંગર એટલે ભોજન પ્રસાદીનું મોટાપાયે આયોજન
- શીખ, પંજાબ, સિંધી સમાજના 500 જેટલા લોકો અંકલેશ્વરમાં વસવાટ કરે છે
અંકલેશ્વર શહેરમાં વસતા પંજાબી સમાજના લોકો દર રવિવારે ગુરુદ્વારામાં ગુરુ કા લંગર(ભોજન પ્રસાદી)નું આયોજન કરે છે.
અંકલેશ્વરમાં ગુરુદ્વારાનું નિર્માણ આશરે 60 વર્ષ પહેલા નાના હોલમાં કરવામાં આવ્યું હતું. જે સમયે ઓએનજીસીની શરૂઆત થઇ ત્યારે પંજાબ સહિત ગુજરાત બહારથી શીખ ધર્મના લોકો ઓએનજીસીમાં નોકરી કરવા અર્થે આવ્યા હતા. ત્યારે તેઓએ જોયું કે અહી એક ગુરુદ્વારાનું નાનું સ્થાન નવીનગરીમાં વસતા શીખ સમાજ દ્વારા સાચવવામાં આવતુ હતુ. જેમ જેમ ઓએનજીસીમાં શીખ સમાજના લોકો વસતા ગયા તેમ તેમ આ ગુરુદ્વારાનો વિકાસ વધતો ગયો. અને આજે મોટી બિલ્ડીંગમાં ગુરુદ્વારાનું નિર્માણ કરવામાં આવ્યું છે.

શીખ, પંજાબ, સિંધી સમાજના અંદાજિત 500 જેટલા લોકો અંકલેશ્વરમાં વસવાટ કરે છે
શીખ ધર્મનું ગુરુદ્વારા એક એવું સ્થાન છે કે જ્યા દરેક સમાજના લોકો દર્શન માટે આવી શકે છે. આ ગુરુદ્વારામાં જાતિ કે ઊંચ નીચનો કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી. ગુરુદ્વારાનું નિશાન એવી ધ્વજા જોઈને લોકોને ખ્યાલ આવી જાય છે અહીં એક ગુરુદ્વારા છે. અંકલેશ્વરમાં શીખ, પંજાબ, સિંધી સમાજના આશરે 500 જેટલા લોકો વસવાટ કરે છે. ગુરુદ્વારામાં ભજન-કીર્તન સહીતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

દર રવિવારે ગુરુદ્વારામાં ગુરુ કા લંગરનું આયોજન
દર રવિવારે ગુરુદ્વારામાં ગુરુ કા લંગર એટલે કે પ્રસાદ(ભોજન) વિનામૂલ્યે આપવામાં આવે છે. બહારથી આવતા યાત્રાળુઓ માટે પણ આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. કોઈ પણ વ્યકિત ખરાબ પરિસ્થિતિમાં ગુરુદ્વારામાં આવી જાય તો તેને શક્ય એટલી મદદ કરવામાં આવે છે. શીખ ધર્મનો એવો નિયમ છે કે કોઈ પણ ગરીબ વ્યકિતઓને આગળ પડતી મદદ કરે છે.
ગુરુદ્વારામાં ગુરુગ્રંથ સાહેબની સ્થાપના કરાઇ
ગુરુદ્વારામાં શીખ ધર્મના 10 ગુરુઓ હતા. 10 ગુરુઓ પછી ગુરુપ્રથા બંધ કરીને ગુરુગ્રંથ સાહેબની સ્થાપના કરવામાં આવી હતી. ગુરુગ્રંથ સાહેબને લોકો નતમસ્તક કરીને એમનામાં વિશ્વાસ રાખે છે. તેમ કરવાથી તેઓની તકલીફ દૂર થાય છે. અને તેઓની મનોકામનાઓ પૂર્ણ થાય છે.