અંકલેશ્વર હાઇવે ઉપર મોતાલી ગામ નજીક અમરાવતી ખાડી બ્રીજ પાસે બાઈક સવાર પરિવારને અજાણ્યા ટ્રક ચાલકે ટક્કર મારતા ૪ વર્ષીય બાળકીનું ગંભીર ઈજાઓને પગલે કરુણ મોત નીપજ્યું હતું.
કોસંબાના તરસાલી ગામ સ્થિત ચિસ્તી નગર ખાતે રહેતા શરીફ જશભાઈ મલેક પોતાની બાઈક નંબર-જી.જે.૦૬.એચ.આર.૫૩૪૯ લઇ પત્ની અને બે બાળકો અરહાન મલેક તેમજ ૪ વર્ષીય એલીશા સાથે કોસંબાથી રાજપીપળાના લાછરસ ખાતે સાસરીમાં ગયા હતા જેઓ ત્યાંથી પરત પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન અંકલેશ્વર હાઇવે ઉપર મોતાલી ગામ નજીક અમરાવતી ખાડી બ્રીજ પાસે પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૪ વર્ષીય બાળકી ટ્રક નીચે આવી જતા તેનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જયારે ઈજાગ્રસ્ત શરીફ મલેક અને તેઓની પત્ની તેમજ અરહાન મલેકને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માત અંગે બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.