Published by: Rana kajal
- પ્રથમ વખત પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓ માટે પણ વોલીબોલ ટૂર્નામેન્ટ યોજાઇ…
અદાણી ફાઉન્ડેશન, દહેજ છેલ્લા ત્રણ વર્ષથી વોલીબોલ ટૂર્નામેન્ટનું આયોજન કરે છે. આ વર્ષે પણ વાગરા તાલુકાના દહેજ વિસ્તારમાં અને આદિવાસી બહુલ એવા નેત્રંગ તાલુકામાં વોલીબોલ ટૂર્નામેન્ટનું આયોજન થયું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી અને બ્લોક કૉ-ઓર્ડિનેટરના સહયોગથી પ્રથમ વખત નેત્રંગ તાલુકાના જૂનીજામુની પ્રાથમિક શાળાના મેદાન ઉપર યોજાયેલી વોલીબોલ ટૂર્નામેન્ટમાં તાલુકાની છોકરા અને છોકરીઓની ૩૦ ટીમએ ભાગ લીધો હતો, જેમાં ૨૦૦થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો.
છોકરીઓની ફાઇનલ મેચ વનખુટા અને હાથાકુંડી પ્રાથમિક શાળા વચ્ચે રમાઈ હતી જેમાં વનખુટા ગર્લ્સ ટીમ વિજેતા બની હતી. જ્યારે છોકરાઓની ફાઇનલ મેચ જુનીજામુની અને હાથાકુંડી વચ્ચે રમાઈ હતી, જેમાં જુનીજામુની પ્રાથમિક શાળાની ટીમે વિજેતા બની હતી. ફાઇનલમાં વિજેતા અને રનર્સઅપ ટ્રોફીની સાથે બેસ્ટ શૂટર અને બેસ્ટ ડિફેન્ડરના વ્યક્તિગત ઈનામ પણ અપાયા હતા.

ફાઇનલ મેચ પછી ઈનામ વિતરણ અદાણી પેટ્રોનેટ દહેજ પોર્ટના એચ.આર. હેડ શૈલેશ સિંઘ, સરપંચ ચંદુભાઇ ચૌધરી, તલાટી વિપુલ ચૌધરી, બી.આર.સી. હિરેન પટેલ, અદાણી ફાઉન્ડેશન, દહેજના સીએસઆર હેડ સુશ્રી ઉષા મિશ્રાના હસ્તે થયું હતી.
આદિવાસી વિસ્તારમાં પ્રથમ વખત યોજાયેલી ટૂર્નામેન્ટ આ વિસ્તારના બાળકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે એવું ભાગ લેનારી શાળાના શિક્ષકોએ જણાવ્યુ હતું. કારણકે આ વિસ્તારના બાળકો રમત-ગમત ક્ષેત્રે બહુ ઉત્સાહિત છે અને જેમને તક મળી છે એમણે સારા પરિણામ આપ્યા છે. આદિવાસી ક્ષેત્રના બાળકોને જો યોગ્ય તક અને માર્ગદર્શન મળે તો સ્પોર્ટ્સમાં ખૂબ આગળ વધી શકે છે. અદાણી ફાઉન્ડેશનનો હેતુ પણ આવા કાર્યો થકી સારા ખેલાડીને તક મળે તેમજ ગ્રામીણ વિસ્તારના બાળકો પણ સ્પોર્ટ્સમાં આગળ આવે એ જ છે. રમતગમતની ભાવનાને પ્રોત્સાહન આપવા અને આદિવાસી વિસ્તારોમા રમત-ગમત પ્રત્યે જાગૃતતા લાવી સારા ખેલાડી તૈયાર કરી એમની પ્રતિભાને આગળ લાવવા અદાણી ફાઉન્ડેશન પ્રતિબધ્ધ છે.




