‘કૌન બનેગા કરોડપતિ’માં અત્યારે જુનિયર કિડ્સ સ્પેશિયલ એપિસોડ ચાલી રહ્યો છે. શોમાં બાળકો પોતાના જ્ઞાન દ્વારા સારી એવી રકમ જીતી રહ્યા છે. ત્યારે અમદાવાદનો નવ વર્ષીય બાળક KBCમાં હોટ સીટ પર બેસીને એક પછી એક સવાલોના સાચા જવાબ આપીને 25 લાખ જીત્યો છે.
મૂળ રાજકોટના, પરંતુ અમદાવાદમાં રહેતા ગૌતમ શાહનો દીકરો આર્ય ચોથા ધોરણમાં ઉદગમ સ્કૂલમાં અભ્યાસ કરે છે. ગૌતમભાઈ નોકરી કરે છે અને તેમનાં પત્ની નેહાબેન હાઉસવાઈફ છે. ગૌતમભાઈ તેમના પરિવાર સાથે વૈષ્ણોદેવી સર્કલ પાસે રહે છે. તેમનો 9 વર્ષનો પુત્ર આર્ય શરૂઆતથી જ ભણવામાં હોશિયાર છે. આર્યને પુસ્તકો વાંચવાનો ખૂબ શોખ છે. સોની લીવ એપ્લિકેશનમાં સવાલનો જવાબ આપીને આર્ય માટે KBCનું દ્વાર ખૂલ્યું હતું.એપ્લિકેશનમાં જુનિયર KBC માટે એક સવાલનો સાચો જવાબ આપતાં કોમ્પ્યુટર મારફત એક કોલ આવ્યો હતો, જેમાં 3 સવાલ કરવામાં આવ્યા હતા, જે સાચા પડતાં આર્ય પર એક વ્યક્તિનો કોલ આવ્યો, જેમને 2 સવાલ કર્યા હતા. આમ, 3 અલગ અલગ સ્ટેજમાંથી પસાર થયા બાદ આર્ય માટે મુંબઈ જવાનો રસ્તો ખૂલ્યો હતો. જોકે હજુ આટલેથી અટક્યું નહોતું. મુંબઈ ગયા બાદ પણ ઈન્ટરવ્યૂનો સિલસિલો ચાલુ જ હતો.
મુંબઈમાં આર્યનો સૌપ્રથમ વીડિયો ઈન્ટરવ્યૂ કરવામાં આવ્યો હતો, જે પાસ કરતા તેનો એક પર્સનલ ઈન્ટરવ્યૂ કરવામાં આવ્યો હતો. એ પાસ કર્યા બાદ આખરે KBCના સ્ટેજ પર આર્યને પ્રવેશ મળ્યો હતો. KBCના સ્ટેજ પર આર્યને પોતાના જેવા 9 લોકો મળ્યા હતા. આ 9 લોકો સાથે હવે આર્યની હરીફાઈ હતી. આ હરીફાઈ હોટ સીટ માટેની હતી. ફાસ્ટર ફિંગર ફર્સ્ટમાં આર્યએ શરૂઆતના 2 પ્રશ્નોના ઝડપથી જવાબ આપ્યા હતા. એ બાદ ત્રીજા પ્રશ્નનો જવાબ પહેલા ના આપ્યો.
છતાં આર્યને જવાબ આપવાની સ્પીડ અન્ય કરતાં વધારે હતી, જેથી તેનું હોટ સીટ માટે નામ ફાઈનલ થયું. હોટ સીટ માટે નામ આવતાં આર્ય આજુબાજુ જોવા લાગ્યો. જોવા લાગ્યો કે સાચે જ તેનું નામ સિલેક્ટ થયું. સાથે ગયેલાં માતા-પિતા ઊભાં થઈને ખુશી સાથે રડતી આંખે તાળીઓ પાડી રહ્યાં હતાં. એ જોઇને આર્યને થયું સાચે તે હોટ સીટ પર જશે. હોટ સીટ પર અમિતાભ બચ્ચન સામે બેસતાં જ આર્યની આંખો પહોળી થઈ ગઈ હતી.
આર્યએ જણાવ્યું હતું કે મારો અનુભવ ખૂબ જ શાનદાર રહ્યો હતો. મને બુક રીડિંગનો બહુ જ શોખ છે. એક દિવસમાં એક આખી બુક વાંચી લઉં છું. મમ્મી-પપ્પા ક્યારેક તો વાંચતા રોકી લે છે. સ્કૂલમાં પણ મારો અભ્યાસ સારો છે. મારા ક્લાસમાં મેમ સવાલ કરે ત્યારે દર વખતે હું હાથ ઊચો કરીને જવાબ આપું છું. તો હવે મેમ પણ મને કહે છે કે હવે તું નહિ, બીજાને ચાન્સ આપ.