અમેરિકાના વર્જિનિયામાં વોલમાર્ટમાં મંગળવારે સામૂહિક ગોળીબારની ઘટના બની હતી. વોલમાર્ટ સ્ટોર પર મોડી રાત્રે થયેલા ફાયરિંગમાં 10 લોકોના મોત થયાના સમાચાર છે. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે સ્ટોરના એક મેનેજરે તેના સ્ટાફ પર ગોળીઓ ચલાવવાનું શરૂ કર્યું હતું. તો આ પછી તેણે પોતાને પણ ગોળી મારી દીધી હતી.
પોલીસ અધિકારી લીઓ કોસિન્સ્કીએ કહ્યું – અમને વોલમાર્ટની અંદર હુમલાખોરની લાશ મળી છે. એક અઠવાડિયામાં ગોળીબારની આ બીજી ઘટના છે. આ પહેલા કોલોરાડોમાં એક ગે ક્લબમાં ગોળીબાર થયો હતો. જેમાં 5 લોકોના મોત થયા હતા. પોલીસે કહ્યું- અમને રાત્રે લગભગ 10 વાગ્યે ફાયરિંગની માહિતી મળી હતી. અમે તરત જ સ્થળ પર પહોંચી ગયા હતા. ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. તો ઘણા ઘાયલ થયા છે. અમે અત્યારે મૃતકોનો આંકડો કહી શકતા નથી. તપાસ બાદ જ કંઈક સામે આવશે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અમે તેમની પૂછપરછ કરીશું.