Published by : Rana Kajal
રાજકોટના હીરાસર એરપોર્ટ (Hirasar Greenfield Airport)નાં લોકાર્પણનો સમય હવે લગભગ નક્કી થઈ ગયો છે. દિલ્હીથી સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટે સૂચના જારી કરી છે કે જુલાઈ-2023માં લોકાર્પણ ગોઠવાય એવી તૈયારી રાખવી. અલબત્ત, એરપોર્ટ ઓગષ્ટમાં એટલે કે પૂર્વધારણા કરતાં એક વર્ષ મોડું કાર્યરત થશે.

અગાઉ એમ મનાતું હતું કે આઝાદીના 75મા વર્ષને અનુલક્ષીને 15 ઓગષ્ટ-2022 આસપાસ જ લોકાર્પણ કરી દેવામાં આવશે. જમીન સંપાદન અને અન્ય કેટલાંક કામો બાકી હોવાથી તે શક્ય ન બન્યું હતું . એ પછી, એવી ચર્ચા વ્યાપી હતી કે ગુજરાત વિાૃધાનસભા ચૂંટણીમાં ફાયદો મળે તે રીતે ડિસેમ્બર-2022 પૂર્વે તો ઉદ્ધાટન કરી જ દેવાશે. જો કે, જૂના હીરાસરનાં સ્થળાંતરમાં ઢીલને લીધે એ મુદ્દત પણ વિતી ગઈ હતી. છેલ્લે એપ્રિલ-2023ની વાત આવી હતી એવામાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સ્થાનિક સત્તાધીશોને દિલ્હીથી મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન તરફથી લેખિત જાણ કરવામાં આવી છે કે ઉદ્ધાટન જુલાઈ-2023માં કરવાનું નક્કી થયું છે. તે સાથે તા 10 જુલાઈ આસપાસની તારીખ ફાયનલ થાય તેવી શક્યતા જણાઈ રહી છે વિશ્વસ્ત સૂત્રોએ કહ્યું કે કેટલીક પ્રોસિજર બાકી છે તે જોતાં જુલાઈ માસ નક્કી કરાયો છે, મોટેભાગે 10 જુલાઈ આસપાસની તારીખ ફાઇનલ થશે.

જૉકે જુલાઈમાં લોકાર્પણ થઈ જાય તો પણ 15 ઓગષ્ટ આસપાસ-નવું ટર્મિનલ તૈયાર થઈ ગયા બાદ જ હીરાસર એરપોર્ટ કાર્યરત કરી શકાશે એવો અંદાજ વ્યક્ત કરતાં સૂત્રોએ ઉમેર્યું કે રાજકોટનો હાલનો હવાઈઅડ્ડો સંકેલી લઈ, સ્ટાફને હીરાસર શિફ્ટ કરીને પ્રારંભે માત્ર ડોમેસ્ટિક ફ્લાઈટ્સ જ ઓપરેટ કરાશે. કસ્ટમ ઈમિગ્રેશન માટેની અટપટી વ્યવસ્થા પાર પડે તે પછી જ રાજકોટથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ઉપલબ્ધ બનશે. એર ટ્રાફિક કન્ટ્રોલિંગ માટે હાલ તો નાનો-કામચલાઉ ટાવર જ છે, જ્યારે મોટો ટાવર બનતાં હજુ ચાર-પાંચ મહિના લાગશે.
