Published by : Vanshika Gor
RBI આજે શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં મોનેટરી પોલિસી જાહેર કરી છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. એવી અટકળો હતી કે, રેપો રેટમાં 0.25%ના વધારાની જાહેરાત કરવામાં આવી શકે છે, પરંતુ લોકોને રાહત આપતા RBIએ કોઈ પણ જાતનો વધારો કર્યો નથી. RBIની આજે મળેલી MPCની બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો. MPCએ રેપો રેટને 6.50 ટકા પર યથાવત રાખ્યો છે. ક્રેડિટ પોલિસીમાં MSF રેટ 6.75% અને SDF 6.25% પર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ બેઠકમાં હાલમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભવિષ્યમાં જે પ્રકારની પરિસ્થિતિ ઉભી થશે તેના આધારે નિર્ણય લેવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ ઉદ્યોગ સંગઠનોએ પણ સરકાર અને RBI પાસે માંગણી કરી હતી કે રેપો રેટમાં વધારો કરવામાં ન આવે. એ લોકોનું કહેવું છે કે, મોંઘવારી લાંબા સમયથી નિયંત્રણમાં છે અને તેનું સ્તર સામાન્ય છે. એટલા માટે રેપો રેટમાં ફેરફાર ન કરવો જોઈએ. સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું છે કે મોંઘવારીને નિયંત્રણમાં રાખવા માટે RBI રેપો રેટમાં ફેરફાર કરી રહી છે.