ગુજરાતીઓ અતિપ્રિય ઉત્સવ ઉત્તરાયણનુ આગમન થવાને હવે થોડા દિવસો બાકી રહ્યા છે. ત્યારે ઉત્તરાયણ પૂર્વે ઘણાં પતંગ રસીયાઓ ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતાં હોય છે. આ સાથે કેટલાક વેપારીઓ પણ ચાઇનીઝ દોરીનું વેચાણ કરે છે.ઉત્તરાયણ પર્વને લઇ ચાઇનીઝ સહિતની પતંગની દોરીઓના કારણે ગળા કપાવવાની ઘટના સામે આવી રહી છે. ઉત્તરાયણ પૂર્વે સુરત અને વડોદરામાં બે અલગ અલગ ઘટનાઓમાં પતંગની દોરી ગળામાં ભરાઇ જતા બે વ્યકિતના મોત થયા છે.
જીવલેણ ચાઇનીઝ દોરીના વેચાણને લઈને ગુજરાત હાઇકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. હાલમાં પ્રતિબંધ હોવા છતાં બજારમાં જીવલેણ ચાઇનીઝ દોરી વેચાય છે. જેથી ગુજરાત હાઇકોર્ટે ટકોર કરી છે કે આ ઘાતક દોરીથી નાગરિકોનું મોત થાય તે ચલાવી લેવામાં નહીં આવે. આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટે સરકાર પાસે ખુલાસો માંગ્યો છે, અને કહ્યુ હતુ કે સરકાર આ મામલે બે જ દિવસમાં જવાબ આપે.