Published By : Patel shital
- લાખો લોકોની શ્રદ્ધા સાથે ખેલતા, જાહેર મંચનો દુરુપયોગ કરતા અને તથ્યો વગરની વાતો કરતાઓને જનતાએ જ આપવો જોઈએ જાકારો…
- બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પર બોલ્યા વિપક્ષના નેતા…
- ભરૂચમાં કોંગ્રેસના જનમંચ કાર્યકમમાં 90 જેટલા જટીલ મુદ્દાઓને જનતાએ જાહેરમાં ઠાલવ્યા…
કર્ણાટકની જીત તો ભ્રષ્ટાચારીઓને ઘર ભેગા કરવાની માત્ર શરૂઆત છે હજી તો મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા રાજ્યો અને 2024 ની લોકસભા ચૂંટણીમાં ભાજપ પર કોંગ્રેસની કાતર ફરવાની બાકી છે. ભરૂચમાં કોગ્રેસના જનમંચ કાર્યક્રમમાં આ શબ્દો વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ ઉંચાર્યા હતા.
ગુજરાતની જનતાનો અવાજ ઉજાગર કરવા અને તેને વાચા આપવા ભરૂચમાં ગુરૂવારે રેલ્વે સ્ટેશન બહાર પ્રદેશ કોંગ્રેસનો જનમંચ કાર્યકમ યોજાયો હતો.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/05/KARNATAK-ELECTION-3-1024x581.jpeg)
વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ ઉપસ્થિત રહી રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકારને રોજગારી, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે આડે હાથ લીધી હતી. કર્ણાટકમાં ભાજપની કારમી હાર અને કોંગ્રેસની જીતએ તેઓએ માત્ર શરૂઆત ગણાવી હતી.
મુઠ્ઠીભર લોકોથી મુઠ્ઠીભર લોકો માટે ચાલતી ભાજપની સરકારને આગામી મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણાની ચૂંટણીમાં પણ જનતા જાકારો આપી ઘર ભેગી કરનાર હોવાનું તેમણે કહ્યું હતું. વર્ષ 2024 ની લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ ભારી બહુમતથી સત્તામાં આવશે તેઓ તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/05/KARNATAK-ELECTION-2-1024x581.jpeg)
ગુજરાતમાં આવી રહેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે તેમને નિવેદન આપતા કહ્યું હતું કે પ્રજાનો સંતો-મહંતો ઉપર ખૂબ જ વિશ્વાસ અને શ્રદ્ધા હોય છે. ત્યારે જાહેર મંચનો દુરુપયોગ કે રાજકીય ઉપયોગ ન થવો જોઈએ. લાખો શ્રદ્ધાળુઓની આસ્થા અને શ્રદ્ધાનો દુરુપયોગ કરી ધૃણા ફેલાવવાનું કે તથ્યો વગરની વાતો ન કરવી જોઈએ. આવા લોકોને જનતાએ જ જાકારો આપી દેવો જોઈએ.
ભરૂચ શહેર અને જિલ્લાના વિવિધ પ્રશ્નો, સમસ્યા અને મુદાઓ ઉપર પ્રજા તેમજ ખેડૂત આગેવાનોએ જનમંચ પરથી જ સમસ્યાઓની છડી વરસાવી હતી. જેમાં બુલેટ ટ્રેન, એક્સપ્રેસ-વે, ફ્રેઈટ કોરિડોરમાં જમીન સંપાદનમાં અન્યાય, ઐતિહાસિક રતન તળાવ પાછળ કરોડોનું કૌભાંડ, ગંદકી, રસ્તા, પીવા અને સિંચાઈના પાણીની સમસ્યા, ભરૂચ પાલિકાનો ભ્રષ્ટાચાર તેમજ ઉધોગોમાં સ્થાનિક રોજગારીના પ્રશ્નો મુખ્ય હતા.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/05/KARNATAK-ELECTION-4-1024x581.jpeg)
આગામી સમયમાં કોંગ્રેસ આ પ્રશ્નો તેમજ મુદ્દાઓ વિધાનસભામાં લઇ જશે. જો નિરાકરણ નહિ આવે તો જનતાને લઈ જનઆંદોલન છેડવાની જાહેરાત અંતે કરાઈ હતી.
જનમંચ કાર્યકમમાં મરહુમ અહેમદ પટેલના દીકરી મુમતાઝ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ હરેશ પરમાર, નાઝુ ફડવાલા સહિતના જોડાયા હતા.