Published by : Anu Shukla
- સુરતના લાલ દરવાજા પાસે ગ્લેન્ડરના રોગ દેખાતા 6 ઘોડાને દયામૃત્યુ આપી દફનાવી દેવાયા
ગુજરાતના સુરત ખાતે ઘોડાઓમા ગ્લેન્ડર નામનો અત્યંત ચેપી અને જીવલેણ રોગ જણાતા સાવચેતીના તમામ પગલા લેવાઈ રહ્યા છે…
સુરતના લાલ દરવાજામાં ઘોડાઓમાં ગ્લેન્ડર નામનો રોગ જોવા મળતા આ રોગ માણસમાં ફેલાઇ શકવાની શકયતાઓ હોવાથી સુરત જિલ્લા કલેકટરે આદેશ કરતા છ ઘોડાઓને ઇન્જેકશન આપીને દયામૃત્યુ આપીને પાલિકાની ડમ્મીગ સાઇટ પર દફનાવી દેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આજુબાજુના વિસ્તારોમાં પણ આ અંગે તપાસ હાથ ધરાશે એમ જાણવા મળેલ છે. લગ્નની સિઝન પુરજોશમાં ચાલી રહી છે અને મોટાભાગના લગ્નોમાં વરધોડા માટે ધોડાઓનો ઉપયોગ થઇ રહ્યો છે.
આવા સમયે સુરતના લાલદરવાજા વિસ્તારમાં આવેલા ઘોડાઓમાં ગ્લેન્ડર નામનો રોગ જોવા મળ્યો હતો. આ રોગ અશ્વકુળના ગર્દભ, અશ્વ, ખચ્ચર, પોની જેવા પ્રાણીઓમાં બેકટેરીયાના કારણે થાય છે. આ રોગ દેખાતા ચોર્યાસી તાલુકાના પશુ ચિકિત્સા અધિકારી અને ડીસીઝ કંટ્રોલ લાયઝન અધિકારીએ કેન્દ્ર સરકારના નોટીફિકેશન મુજબ લાલદરવાજાના પાંચ કિલોમીટરની ત્રિજયામાં ઘોડા, ખચ્ચર, ગધેડા પોની જેવા પશુને બહાર લઇ જવા કે બહારથી લાવવા પ્રતિબંધ મુકયો હતો. આ પ્રતિંબધ મુકયા બાદ સુરત જિલ્લા કલેકટર આયુષ ઓક દ્વારા છ ઘોડાઓમાં ગ્લેન્ડર રોગ દેખાતા આ રોગ માણસમાં ફેલાઇ શકવાની શકયતાઓ હોવાથી કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ છ ઘોડાઓને દયામૃત્યુનો હુકમ કરાયો હતો.
આ હુકમના પગલે જિલ્લા પંચાયતના પશુપાલન અધિકારીઓની ટીમ દ્વારા છ ઘોડાઓને થાયોપેન્ટલ નામનુ ઇન્જેકશન આપ્યુ હતુ અને તમામને સુરત મહાનગર પાલિકાની ડમ્પીંગ સાઇટ પર દફનાવી દેવાયા હતા. હવે આગામી દિવસોમાં પશુપાલનની ટીમ દ્વારા લાલદરવાજા જયાં ઘોડા રાખવામાં આવ્યા હતા. તે પરિવારજનોના સેમ્પલો લઇને તપાસ કરવા માટે પશુપાલન વિભાગ દ્વારા પાલિકાને જાણ કરવામાં આવી છે. સાથે જ આજુબાજુના વિસ્તારોમાંથી વસવાટ કરતા પ્રાણીઓમાંથી સેમ્પલો લઇને તપાસ કરવામાં આવશે.
લાલ દરવાજા અને તેની આજુબાજુ વિસ્તારમાં દોઢસોથી વધુ ઘોડા છે સુરત શહેરમાં ઘોડાઓ પાળવા માટે પણ એક અનોખો વર્ગ છે. તો બીજી બાજુ લગ્નમાં વરઘોડા માટે ઘોડાઓનો ઉપયોગ થતો હોવાથી રોજીરોટી માટે પણ કેટલાક લોકો દ્વારા ઘોડા પાળવામાં આવે છે. હાલમાં જયાં આ રોગ દેખાયો છે તે લાલ દરવાજા અને તેની આજુબાજુના વિસ્તારોમાં સર્વે કરવામાં આવતા દોઢસોથી વધુ ઘોડાઓ પાળવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં આ ઘોડાઓની પણ તબક્કવાર તપાસ કરવામા આવશે.