ગુજરાતના દાહોદ શહેર નજીક ગલાલિયાવાડ ગામે તાજેતરમાં સાપ પકડવા ગયેલા યુવકોને જુદા જ પ્રકારનો કરોળિયો જોવાયો હતો. જેથી અચરજ થતાં તે કરોળિયાને સલામત રીતે પકડી લેવાયો હતો. તપાસ બાદ આ ઝેરી કરોળિયો ગુજરાતમાં ભાગ્યેજ જણાતી એવી ટેરંટુલા જ્ઞાતિનો હોવાનું જણાયું હતુ. તાજેતરમાં ગલાલિયાવાડ ગામે સાપ હોવાનો કોલ મળતા નીલેશ પસાયા સહિતના બે વોલિન્ટીયર્સ ત્યાં ગયા હતા. સાપ પકડવાની કામગીરી દરમિયાન તેમને સાપના દરની બાજુમાં થોડો ભયાનક અને મોટો અલગ જ પ્રકારનો જીવ જણાયો હતો. તેના વિશે વધૂ જાણવા માટે ફોટો પાડીને નીલેશે પ્રકૃતિ પ્રેમી પ્રતિક જૈનને મોકલ્યો હતો. ફોટો જોઇને તે જીવને સાથે લાવવાનું જણાવાયુ હતુ.ત્યાર બાદ પ્રતિક જૈને તેની જાતિની ઓળખ માટે મહારાષ્ટ્રના કીટક વિશેષજ્ઞને ફોટો મોકલ્યો હતો ત્યારે આ ટેરંટુલા જ્ઞાતિનો ઝેરી કરોળિયો હોવાનું સામે આવ્યુ હતું. પ્રતિક જૈને જણાવ્યુ હતું કે, કરોળિયો મુખ્યત્વે નિશાચર હોવાથી નજરમાં આવતો નથી. વિશ્વના મોટામાં મોટા કરોળિયા 10 થી 12 ઇંચ જેટલા હોય છે.દાહોદમાં મળ્યો એ કરોળિયો 5 ઇંચનો છે, આ કરોળિયાના ઝેરી દાંત એકથી દોઢ સેન્ટીમીટરના છે. એક પુખ્ત કરોળિયો કૂતરા કે વાંદરાને મારવા સક્ષમ છે. પરંતુ તેનો મુખ્ય ખોરાક કીટકો હોય છે. સ્વભાવે શાંત અને શરમાળ કરોળિયો દિવસ દરમિયાન બખોલ કે જમીનની કેવિટીમાં રહે છે. રાત્રે શિકાર કરે છે. સામાન્ય રીતે મનુષ્ય માટે જોખમી નથી જૉકે અગાઉ 10 થી 12 વર્ષ પહેલાં ડાંગના જંગલમાં આ કરોળિયો એકાદ વાર રેકોર્ડ થયેલો છે પણ મધ્ય ગુજરાતમાં કદાચ પ્રથમ રેકોર્ડ છે. 10થી15 કિલો કરતા ઓછા વજન ધરાવનાર માટે માટે ટેરંટુલાનું ઝેર ઘાતકી હોઈ શકે છે એવું વૈજ્ઞાનિકોનો મત છે. જૉકે હજી આ બાબતે સંશોધન ચાલી રહ્યું છે