વિશ્વસ્તરે ગુગલ સર્ચ એન્જિન એટલે માહિતી સ્ત્રોત, ગમે તે વિષય પર પ્રશ્ન પૂછો ‘ગુગલગુરૂ’ જવાબ આપે પણ સબૂર આ જ ‘ગુગલ’ને અમુક પ્રશ્ન થયા અને તેના અધિકારીઓને કામે લગાડવામાં આવ્યા તો રેલો પહોંચ્યો ઠેઠ કચ્છ સુધી.
ગુગલ સર્ચ એન્જિનની વૈશ્વિક ટીમે જોયું કે જ્યાં ટાંચા સાધનો છે તેવા ભારત દેશમાં કલા, કારીગરીનું સ્તર અત્યંત ઉંચુ છે વળી ભારતીય કારીગરો પ્રાકૃતિક સંશાધનોનો જ શ્રેષ્ઠતમ ઉપયોગ કરે છે તે આ ‘જુગાડ’ કેમ કરી શકે છે ? બસ આ પ્રશ્ન સાથે ગુગલએ ભારતમાં તપાસ શરૂ કરી અને દેશભરનાં કસબીઓ-કલાકારોના નામ ઉભરી આવ્યા. સેંકડોની સંખ્યામાં નામ આવ્યા જેમાંથી ચારની પસંદગી થઇ, બે કચ્છી- એક એક દિલ્હી અને કાનપુરના.પોતાની ક્ષમતા પર અપાર વિશ્વાસ રાખીને ‘હાજર ઇ હથિયાર’ સાબિત કરનારા કચ્છના પાબીબેન રબારી અને બન્નીના સિણીયારો ગામના મડવર્ક કસબી માજીખાન મુતવા તથા કાનપુર અને દિલ્હીના એક-એક એમ કુલ ચાર કસબીઓને આઇ.ટી.સી. મુગલ હોટલ આગ્રા ઉત્તરપ્રદેશ બોલાવવામાં આવ્યા અને ગુગલના ઉચ્ચ અધિકારીઓએ ભારતમાં કાર્યરત ગુગલ ટીમ સાથે સંવાદ કર્યો અને કચ્છીઓની તાત્કાલીક નિર્ણય શક્તિથી તમામ ઉભી થતી જરૂરિયાત ઝડપભેર ઉભી કરવાની પધ્ધતિ જાણી અચંબિત પણ થયા.
ઉલ્લેખનીય છે કે ભારતની કલા-કારીગરીમાં તેમની ટેકનોલોજી કઇ રીતે મદદરૂપ થઇ શકે તેની વિગતો જાણવા અમદાવાદ સ્થિત કારીગર ક્લીનીક સહિતનાને આવા કારીગરો એકત્ર કરવા કહેવાયું અને પછી જે કામ-નામ આવ્યા તેમાંથી પાબીબેન રબારી અને માજીખાન મુતવાની અન્ય બે કસબીઓ સાથે પસંદગી કરાઇ આગ્રા બોલાવાયા ત્યાં. જ્યારે કચ્છી કારીગરોએ પોતપોતાના વિકાસની વિગતે વાત કરી ત્યારે વૈશ્વિક સ્તરે ટેકનોલોજી સાથે કાર્યરત આ પ્રતિષ્ઠિત સંસ્થાએ પણ ‘કાન’ પકડવા પડ્યા.
કોઇપણ ઇચ્છુક, જિજ્ઞાસુ-સંશોધક કે ગ્રાહક ભારતમાં હોય તો ‘ગુગલ’ પર તે પોતાની ઇચ્છીત કળા, કારીગર, સ્થળ, કિંમત, રૂટ જાણીને પહોંચી શકે તેવી સેવા ગુગલ સર્ચમાં આવી રહી છે.સર્ચ એન્જિનમાં કારીગરોની પ્રોફાઇલ મુકાશે. નામ, કામ, કળાથી સર્ચ કરી શકાશે. કારીગર ક્લિનીકના સીઇઓ નિલેશ પ્રિયદર્શી કચ્છની કળાને ગુગલ સુધી પહોંચાડવામાં નિમિત્ત બન્યા હતા.લાખોના ખર્ચે બનતો ગ્રીન રૂમ 2 હજારમાં ઊભો કર્યો માજીખાન મુતવા કે જે ‘ગુગલ’ને ‘ગુગુલ’ કહે છે તેમણે જણાવ્યું કે સિણીયારોમાં ગ્રીનરૂમ ઉભો કરી વિડીયો શૂટ કરી એમેઝોન પર મુક્યા.તેમને આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય ઓર્ડર મળ્યા. ગુગલના અધિકારીઓએ ગ્રીનરૂમ તો લાખોના ખર્ચે થાય.તમે શું કર્યું ?તેમ પૂછતાં મુતવાએ ગમેલા, ગાંડોબાવળ, ભૂંગાની દિવાલો, ગ્રીન કાપડ અને સુર્ય પ્રકાશ તથા વચ્ચેથી કાપીને ગમેલાઓમાં બેસાડેલા બલ્બની લાઇટોની વિગતો આપી. આ ‘જુગાળ’ સામે ટેકનોલોજીના માંધાતાઓ રીતસર ઝુકી પડ્યા. માત્ર બે હજારના ગ્રીનરૂમે એમેઝોન સુધીની સફર કરી.