Published By : Patel Shital
- રમત-ગમત સાથે પ્રિતિ ભોજનમાં સવાસો વડીલોએ ઉમંગ-ઉત્સાહ સાથે ભાગ લીધો…
- ચેનલ નર્મદાએ “સમાચાર સાથે સમાજ સેવાનો” મંત્ર સાકાર કર્યો…
ભરૂચ શહેર અને જિલ્લામાં વિઝ્યુઅલ મિડિયામાં 20 ઓગસ્ટ, 1998માં પદાર્પણ કર્યાના 24 વર્ષ પૂર્ણ થતાં 20 ઓગસ્ટ 2022 થી રજત જયંતિ વર્ષની ઉજવણીનો ચેનલ નર્મદાના સંચાલકોએ નિર્ધાર કરી, જે સમાચાર દર્શકો અને પ્રસંશકો, સાથીઓએ સતત 24 વર્ષ સહયોગ, પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું, એમને આનંદ સહ બિરદાવવાનો અને જૂના સંસ્મરણો તાજા કરી, ઋણ સ્વીકાર કરવાના નાનકડા પ્રયાસના ભાગ રૂપે ચેનલની લાંબી વ્યવસાયિક અને સમાજ સેવાની યાત્રા દરમિયાન સફળ થયેલા કાર્યક્રમો પૈકી 25 કાર્યક્રમોને પુનઃ યોજવાનું બીડું ઝડપ્યું છે. જે પૈકી 15 મો કાર્યક્રમ 11 મી એપ્રિલ 2023 ને મંગળવારે રૂંગટા સ્કૂલના સંસ્કાર ભારતી હોલમાં “મિટ વિથ સિનિયર સિટીઝન્સ” યોજ્યો, જેમાં ભરૂચ સિનિયર સિટીઝન્સ ગ્રુપ ના 125 થી વધુ આદરણીય વડીલોએ ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લીધો.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2023/04/IMG_20230411_182540-1024x461.jpg)
આ કાર્યક્રમમાં વયસ્ક, અત્યંત અનુભવી એવા જુદા જુદા ફિલ્ડના મહાનુભાવો, વડીલોને એમના બચપણને યાદ કરાવવાનો સ્તુત્ય પ્રયાસ ઋષિ દવે અને જીગર દવે એ માનવીય કુકીઓ વડે ‘સાપ સીડી’ ની રમત રમાડી સહુને બાળપણની યાદો તાજી કરાવી. પ્રિન્ટેડ મોટી સાપ સીડીના બોર્ડ પર સશક્ત અને ઉત્સાહી 14 જેટલા વડીલોને ‘સેલ્ફ કુકીઓ’ બનાવી પાસાઓ સાથે રમાડી-ચલાવીને બે વિજેતાઓ નક્કી કરવામાં આવ્યા. આ રમત માં 14 જેટલા વડીલો જેમાં સાધનાબેન દેસાઈ, જ્યોતિબેન અમદાવાદી, શકુંતલાબેન પટેલ, રમીલાબેન સોલંકી, ઊર્મિલાબેન શાહ, નયનાબેન ગાંધી, જ્યોતિબેન પરીખ, ભાનુબેન પટેલ, કીર્તિબેન મહેતા, ચંદુભાઈ ચૌહાણ, પ્રકાશ શાહ, નવીન શાહ, તરુણભાઈ ઠાકોર, પંકજભાઈ પુનાવાલા વિગેરે જોડાયા હતા. આ રમત સ્પર્ધામાં પ્રથમ વિજેતા તરીકે તરુણભાઈ ઠાકોર બોર્ડ પર 100 નંબર પર પહોંચતા તેમને પ્રથમ ઇનામ ઋષિ દવે દ્વારા સ્નેક્સ એન્ડ લેડર બોર્ડ આપવામાં આવ્યું જ્યારે દ્વિતિય વિજેતા તરીકે જ્યોતિબેન પરીખને નરેશ ઠક્કર દ્વારા ફોટો ફ્રેમ આપવામાં આવી.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2023/04/1ST-WINNER-1024x581.png)
![](http://narmadanews.co.in/wp-content/uploads/2023/04/2ND-WINNER-1024x581.png)
સમય મર્યાદાના પરિણામે વધુ રમતો રમાડવી અશક્ય બનતા અને વીજકાપ વિલન બનતા અંધારપટે વડીલોનો કાર્યક્રમ ડિસ્ટર્બ થતા મોબાઇલની લાઈટો વચ્ચે કાર્યક્રમને ટૂંકાવવાની અને પૂરો કરવાની ફરજ પડી હતી.
માર્ચ અને એપ્રિલ મહિનામાં ભરૂચના આ સિનિયર સિટીઝન્સ ગૃપના જે પણ સભ્યોની બર્થ ડે આવતી હતી એમનો ગૃપના નિયમ મુજબ કેક કાપીને બર્થ ડે સેરિમનીની ઉજવણી કરાઈ જેમાં ઉંમર ભૂલીને સહુએ એક સાથે મોબાઈલ કેન્ડલ લાઈટના પ્રકાશમાં હેપ્પી બર્થ ડેનું ગીત ગાઈ ઉજવણીમાં જોડાયા.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/04/IMG_20230411_195146-1-1024x576.jpg)
ચેનલ નર્મદાએ વડીલો સાથે ડિનરનો પણ કાર્યક્રમ સમાવિષ્ટ કર્યો હતો. વીજળીના ધાંધિયા વચ્ચે પણ વડીલોને હોલમાંથી નીચે મોબાઈલ લાઈટોના આધારે ઉતારી જાણે સહુ કેન્ડલ લાઈટ ડિનર કરતા હોય એમ ભોજનમાં સાથે જોડાયા હતા. લાંબી લાઈનો અને અન્ય અગવડો અને અશક્ત શારીરિક પરિસ્થિતિ વચ્ચે પણ સાંહીઠી વટાવી ચૂકેલા એક એક નાના-મોટા વડીલોએ એકદમ સંયમ અને સ્વસ્થતા વચ્ચે ચેનલની ટીમને સંપૂર્ણ સહયોગ સાથે લાંબી લાઇન અને અંધારા વચ્ચે વિલંબ છતાં નાનકડી પણ ફરિયાદ કર્યા વિના કાર્યક્રમને અંતરના ઉંડાણ અને આનંદથી માણી જાહેર કાર્યક્રમો કે લગ્નોમાં થતી અંધાધૂંધીની કડવી યાદો તાજી કરાવવા વચ્ચે એક ઊંચા સુકુનની અનુભૂતિ કરાવી હતી અને ઉંમરની પરિપક્વતા અને પીઢતાનો બહોળો અનુભવ છલકાયો હતો. અગવડો વચ્ચે પણ અવિસ્મરણીય કાર્યક્રમ એ અમારા ચેનલ નર્મદાના આ કાર્યક્રમના અતિથિઓને જ સંપૂર્ણ આધારિત બની રહ્યો હતો.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/04/SENIOR-CITIZENS-3-1-1024x581.png)
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચમાં 60 વર્ષની ઉપરના વડીલો માટે વર્ષો થી એક સિનિયર સિટિઝન્સ ગૃપની સ્થાપના સદી વટાવી ચૂકેલા પુષ્પાબેન પટેલના નેતૃત્વમાં અને હાલ સૂર્યકાન્તભાઈ પરીખ તથા વાસંતીબેન દિવાનજીના નેતૃત્વ અને સહયોગથી એક ટીમ ક્લબની પ્રથાથી સિનિયર સિટીઝન્સ સહુ સાથે મળી આનંદ-ઉલ્લાસથી ઉંમરના એકાંત સ્થિતિની ઉપેક્ષાને અવગણી આનંદ કિલ્લોલનું જીવન વ્યતીત કરવાનો પ્રયાસ કરે છે જેમાં સશક્ત અને સુદ્રઢ એવા અન્ય સફળ અને સમાજમાં સુખી જીવન જીવતા સહુએ બીજી નાની મોટી સંસ્થાઓએ પણ હાથમાં હાથ મિલાવી અત્યંત વિકટ એવા જીવનના આ છેલ્લા વિશ્રામને સમયને આનંદિત કરવા આવી સંસ્થા વડીલોને પરોક્ષ રીતે જીવન પ્રવાહમાં વ્યસ્ત અને આનંદિત કરવાની સેવાની તક ઝડપી ભાગ્યવાન બનવું જોઈએ.