Published By:-Bhavika SASIYA
- પૂર્વ કોંગી ધારાસભ્યએ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારનો કર્યો આક્ષેપ
- 20 વર્ષ બાદ બનેલા માર્ગની અવદશા મુદ્દે વિપક્ષ શાસકોને લઈ જશે કોર્ટમાં
જંબુસર નગરનો 20 વર્ષ બાદ બનેલો મુખ્ય માર્ગ પેહલા વરસાદે જ ધોવાઈ ગયો છે. રૂપિયા 1.30 કરોડના માર્ગ નિર્માણમાં મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપો કરાયા છે.
ચોમાસાની હજી શરૂઆત જ થઈ છે ત્યાં જંબુસર નગરમાં હલકી કક્ષાનો રોડ બનાવાયો હોવાની ઘટના સામે આવી છે. જંબુસર તાલુકામાં અત્યાર સુધી મૌસમનો 94 મિમી વરસાદ પડ્યો છે.

એક મહિના પેહલા જ જંબુસરનો મુખ્ય માર્ગ રૂપિયા 1.30 કરોડના ખર્ચે પાલિકા દ્વારા તૈયાર કરાયો હતો. શહેર અને તાલુકાની પ્રજાને 20 વર્ષે નવો રસ્તો બનતા આંનદ છવાયો હતો.
જોકે તેમનો આ આંનદ અને સુવિધા પેહલા વરસાદે જ છીનવાઈ ગઈ છે. માર્ગનું ધોવાણ સાથે ખાડા પડતા પૂર્વ કોંગી ધારાસભ્ય સંજય સોલંકીએ મોટા પાયે ખાયકી અને હલકી કક્ષાની ગુણવત્તાનો આક્ષેપ કર્યો છે.
પાલિકા વિરોધ પક્ષના નેતા ઝાકીર માલિકે રસ્તાના મુદ્દે શાસકોને કોર્ટમાં લઈ જવાની અને જલદ આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી છે.