ગતરોજ દિલ્હીના મંત્રીનો ધર્મપરિવર્તનનો વિડીયો ભાજપના સહપ્રવક્તા ભરત ડાંગરે શેર કર્યા બાદ ભારે વાયરલ થયો હતો. આજે કેજરીવાલના વડોદરામાં આગમન થતાં પહેલા જ હું હિંદુ ધર્મને પાગલપન માનું છું, જેવા પોસ્ટરો શહેરમાં ઠેર ઠેર લગાડવામાં આવ્યા છે. જે પૈકી કેટલાક પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યા છે.
આજે રાજ્યની મુલાકાતે આવનાર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના આગમન પહેલા રાજ્યભરમાં ઠેર ઠેર પોસ્ટરો મારવામાં આવ્યા છે. જેમાં ગતરોજ વાયરલ થયેલા વિડીયોના અંશ મુકવામાં આવ્યા છે. વડોદરાની મધ્યમાં આવેલા સુરસાગર તથા આસપાસ આમ આદમી પાર્ટી વિરોધ પોસ્ટર મારવામાં આવ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે, હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ, કૃષ્ણને ઇશ્વર માનીશ નહિ – આ છે આમ આદમી પાર્ટીના શબ્દો અને સંસ્કાર, તો અન્ય પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, હું હિંદુ ધર્મને પાગલપન માનું છું – આ છે આમ આદમી પાર્ટીના શબ્દો અને સંસ્કાર.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/10/5cfa24e5-43da-4839-acf6-0e50d0bf983b-1024x542.jpg)
પોસ્ટરો લાગતા જ શહેર નહિ પરંતુ સમગ્ર રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. એટલું જ નહિ કેટલીક જગ્યાઓ પર તો પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યા હોવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. કેજરીવાલના આગમન પહેલા જો આ રીતે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો હોય તો તેના આગમન બાદ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.