- વિવિધ ગણેશ પંડાલોમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરાઈ
- વિઘ્નહર્તા ૧૦ દિવસ સુધી ભક્તોનું આતિથ્ય માણશે
દુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે ત્યારે વિવિધ ગણેશ પંડાલોમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી

ભગવાન વિઘ્નહર્તા ભક્તોના વિઘ્નો દૂર કરવા માટે 10 દિવસ સુધી પૃથ્વી લોક ઉપર રહેશે. આજથી શ્રદ્ધાળુઓ પ્રથમ પૂજાતા દેવ એવા ભગવાન શ્રી ગણેશની આરાધનામાં લીન બન્યા છે.આજે ગણેશ ચતુર્થીથી સાર્વજનિક ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે શુભ મુહૂર્તમાં વિવિધ પંડાલોમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી.

શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભગવાન ગણેશનું સ્થાપન કરવામાં આવ્યું હતું ત્યારે દશ દિવસ સુધી દુંદાળા દેવ ભક્તોનું આતિથ્ય માણશે.દશ દિવસ સુધી ચાલનાર ભક્તિ કુંભમાં શ્રદ્ધાળુ ભગવાનની આરાધનામાં લીન બનશે અને અનંત ચૌદસના રોજ વિધ્નહર્તાને નિર્વિઘ્ને વિદાય આપવામાં આવશે.

આજે સવારથી ભરુચ – અંકલેશ્વરમાં વિવિધ પંડાલોમાં ભગવાન શ્રીજીની સ્થાપના કરાઇ હતી જેમાં ભક્તોએ આસ્થા પ્રગટ કરી હતી. તો કેટલાક ભક્તોએ પોતાના નિવાસસ્થાને, ઓફિસોમાં પણ ભગવાન શ્રીજીની પ્રતિમા સ્થાપિત કરી હતી. શ્રીજીને તેઓના માતા ભોગ ધરાવવામાં આવ્યા હતા.
