- અંકલેશ્વરના તપોભૂમિમાં 12 વર્ષ પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો હતો
- દર વર્ષે ભક્તો ઇચ્છાપૂર્તિ કરનારા વિઘ્નહર્તા દેવનાં દર્શન કરવા આવે છે.
અંકલેશ્વરમાં તપોભૂમિ ખાતે આવેલા ગૌતમ ગણેશ મંદિરનો જિર્ણોદ્ધાર કરી 12 વર્ષ પહેલાં ક્ષિપ્રાગણેશ મંદિરનું નિર્માણ કરાયું હતું . ભગવાન ગણેશજીની 32 મુદ્રા પૈકી 10મી મુદ્રાનાં દર્શન આ મૂર્તિમાં કરી શકાય છે. ગણેશજીની ક્ષિપ્રા મુદ્રા ધરાવતું આ મંદિર ગુજરાતનું પ્રથમ અને દેશનું નવમું મંદિર છે . મૂર્તિની વિશેષતાની વાત કરીએ તો ક્ષિપ્રા ગણેશના ચાર હાથ પૈકી જમણા હાથમાં તૂટેલો દાંત, ડાબા હાથમાં ઈચ્છાપૂર્તિ કરનારું કલ્પવૃક્ષ છે. ત્રીજા હાથમાં દંડ દેનાર પાશ છે અને ચોથા હાથમાં આવેગોની વૃત્તિઓને વશમાં રાખનાર અંકુશ છે. તેમની સૂંઢ જમણી તરફ વળેલી છે, જેમાં રત્નકુંભ છે. મૃગશીર્ષ નક્ષત્રને પણ ક્ષિપ્રાગણેશ સાથે સીધો સંબંધ છે . આ દેવ જ્ઞાન, આયુષ્ય, સ્વાસ્થ્ય અને ઝડપથી ઈચ્છા પૂર્ણ કરનારા દેવ છે. આ મંદિર ખાતે આખું વર્ષ ભક્તોની અવરજવર રહેતી હોય છે.