Published By : Parul Patel
- રવિવારે રામપુરા કીડીમકોડી ઘાટે એક લાખ શ્રધ્ધાળુઓનું કીડીયારુંને અવ્યવસ્થાની ભરમાર
- ગત રવિવારે 30 થી 40 હજાર પ્રવાસી ઊમટતા તિલકવાડા 25 બોટ મુકાઈ
- આજે રામપુરામાં માત્ર 15 બોટને લઈ લોકોની પડાપડી સર્જાઈ
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-02-at-4.08.59-PM-1024x564.jpeg)
નર્મદા નદીની ઉત્તરવાહીની પંચકોશી પરિક્રમામાં ગત રવિવારે સર્જાયેલ અંધાધૂંધી અને અવ્યવસ્થામાંથી તંત્રએ શીખ લઈ વ્યવસ્થા ન કરતા આજે સતત બીજા રવિવારે એક લાખ શ્રદ્ધાળુઓ લાચાર જોવા મળ્યા હતા.
નર્મદા નદીની સંપૂર્ણ પરિક્રમા વર્ષે અઢી થી 5 લાખ પરિક્રમાવાસીઓ કરે છે. જોકે તેના જેટલું જ ફળ આપતી ચૈત્ર મહિનામાં 25 કિમીની નર્મદા જિલ્લામાં યોજાતી પંચકોશી પરિક્રમા માટે 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-02-at-4.08.59-PM-1-1024x564.jpeg)
નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર આ વાત સુપેરે જાણતું હોય અને ગત રવિવારના 30 થી 40 હજાર શ્રદ્ધાળુઓ ઊમટતા સર્જાયેલી અવ્યવસ્થા બાદ પણ આયોજનમાં પાણીમાં રહ્યું છે. ઉત્તરવાહીની પરિક્રમા કરવાનો ક્રેઝ લોકોમાં વધી રહ્યો હોય આજે રવિવારે પરિક્રમા માટે એક લાખથી વધુ લોકો ઉમટી પડ્યા હતા.
ગત રવિવારે તિલકવાડામાં નાવડીઓ ઓછી પડતા શ્રદ્ધાળુઓએ માનવ સાંકળ રચી નર્મદા નદી જોખમી રીતે પાર કરી હતી. જે બાદ તંત્ર દ્વારા જાહેરનામું જારી કરી નદી પગપાળા પાર કરવા ઉપર રોક લગાવી દેવાઈ હતી. સાથે જ 25 નાવડીઓ મુકાઈ હતી. આજે તે કિનારે તો શ્રદ્ધાળુઓને અને તંત્રને કોઈ તકલીફ પડી ન હતી.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-02-at-4.09.00-PM-1024x550.jpeg)
જોકે રામપુરા કીડીમકોડી ઘાટ ઉપર માત્ર 15 નાવડીઓ સામે પરિક્રમાવાસીઓના કીડીયારાને લઈ દેકારો મચી ગયો હતો. નાવડીઓમાં પણ બેસવા પડાપડી વચ્ચે ધક્કામુક્કી સર્જાઈ હતી. કલાકો સુધી નાવડીઓમાં બેસવાનો વારો નહિ આવતા કેટલાય શ્રદ્ધાળુઓની તબિયત લથડતા ચક્કર ખાઈ પડી જવાના બનાવો પણ બન્યા હતા.
નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેએ અંધાધૂંધી અટકાવવા તાત્કાલિક LCB ની ટીમ અને પોલીસને દોડાવી શ્રદ્ધાળુઓની ભીડને નિયંત્રણ કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા.