Published by : Anu Shukla
પવિત્ર તીર્થધામ સાળંગપુરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના વિશાળ પરિસરમાં અક્ષરપુરુષોત્તમ મંદિર અને શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ મંદિરના બે ધ્રુવ વચ્ચે હવે ત્રીજું દિવ્ય પ્રેરણા સ્થાન ઉમેરાઈ ગયું છે – બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનું સ્મૃતિ મંદિર!
પરધામમાં વિદાઈ લેતાં પહેલાં બાપાએ એક ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘મારી દૃષ્ટિ મારા ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે રહે અને મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજની દૃષ્ટિ મારી પર રહે એવી જગ્યાએ મારા અંતિમ સંસ્કાર કરજો.
પ્રમુખસ્વામીની ઈચ્છા પ્રમાણે જ સાળંગપુર સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા. બાદમાં જે જગ્યાએ પ્રમુખસ્વામી મહારાજના અંતિમ સંસ્કાર કરાયા હતા ત્યાં જ તેમના ભવ્ય મંદિરનું નિર્માણ કરવાનું નક્કી કરાયું હતું. એ મંદિર ચાર વર્ષ બાદ બનીને હવે તૈયાર થઈ ગયું છે.
અક્ષરધામ જેવી જ ડિઝાઈન રખાઈ
પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં 1200થી વધુ મંદિરોનું નિર્માણ કરી તથા ગાંધીનગર, દિલ્હી અને અમેરિકામાં અક્ષરધામના સર્જન દ્વારા ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે. તેમના આ યુગકાર્યને અંજલિ આપવા તેમના સ્મૃતિ મંદિરનું સ્થાપત્ય – સ્વરૂપ પણ અક્ષરધામ જેવું જ રાખવામાં આવ્યું છે. પરંતુ ગુરુ શાસ્ત્રીજી મહારાજના વસંતપંચમીના જન્મદિવસે જ ગઈ 26મી જાન્યુઆરીના રોજ પરમ પૂજય પ્રમુખસ્વામી સ્મૃતિ મંદિરની મહંત સ્વામી મહારાજના હસ્તે પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી હતી.
ચાર વર્ષમાં સ્મૃતિ મંદિર બનીને તૈયાર થયું
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ મંદિરનો શિલાન્યાસ 17 ડિસેમ્બર 2018માં મહંત સ્વામી મહારાજે કર્યો હતો. આ પછી સંતો અને હરિભક્તોની મહેનતથી ચાર વર્ષમાં સ્મૃતિ મંદિર બનીને તૈયાર થયું છે. નાગરાદિ સ્થાપત્યશૈલી ધરાવતા આ મંદિરની લંબાઈ 140 ફૂટ, પહોળાઈ 140 ફૂટ અને ઊંચાઈ 6.3 ફૂટ છે, જેમાં 7,839 પથ્થરના સંયોજનથી 1 ઘુમ્મટ, 4 સામરણ અને 16 ઘુમ્મટી આવેલી છે.
મકરાણા માર્બલના પથ્થરો વપરાયા
પ્રમુખસ્વામી મહારાજના ગુરુ શાસ્ત્રીજી મહારાજે છેલ્લું ગઢડાનું મંદિર બનાવ્યું હતું. આ મંદિરમાં રાજસ્થાનના મકરાણા માર્બલના આરસનો ઉપયોગ થયો હતો. આ પથ્થર ખરીદવા પ્રમુખસ્વામી મહારાજ મકરાણા રોકાયા હતા. પ્રમુખસ્વામી મહારાજ એવું પણ માનતા હતા કે મકરાણાનો પથ્થર મારા ગુરુને પસંદ હોવાથી બહુ સારો અને સાયન્ટિફિકલી પણ આ પથ્થર સારા ગણાય છે, જેથી સંપ્રદાયના ભક્તોને વિચાર આવ્યો કે આપણા ગુરુ પ્રમુખસ્વામી મહારાજનું મંદિર પણ એ જ પથ્થરમાંથી બનાવીએ, જેથી પ્રમુખસ્વામી મહારાજનું મંદિર પણ એ જ પથ્થરમાંથી બનાવ્યું છે. આ સ્મૃતિ મંદિરમાં 25થી 30 હજાર ઘનફૂટ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
મંદિરની ડિઝાઇન કોણે બનાવી?
આ ડિઝાઇનમાં મુખ્ય ફાળો અમદાવાદના પૂજ્ય શ્રીજી સ્વરૂપ સ્વામી અને ગાંધીનગરમાં રહેતા ભક્તિનંદન સ્વામીનો છે. આ બંને સંતો આ ડિઝાઇન બનાવવામાં સંપૂર્ણપણે સંકળાયેલા હતા. ગાંધીનગર અક્ષરધામ, દિલ્હી અક્ષરધામ, રોબિન્સન અક્ષરધામમાં જેમનો ફાળો છે તેવા આ બંને સંતોનો આમાં પણ ફાળો છે અને સાથે પ્રકાશભાઈ સોમપુરાએ પણ સંતોના માર્ગદર્શન પ્રમાણે ડિઝાઇન તૈયાર કરી છે.