Published by : Rana Kajal
ફુલાવર શિયાળામાં મળતી મોસમી શાકભાજી છે. ભારતીય ઘરોમાં ફૂલકોબીના પરાઠા, ભજીયા, શાકથી લઇને અનેક વ્યંજનોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે, મોટાભાગે લોકો તેનો સફેદ ભાગ જ ખાવાનું પસંદ કરે છે. પરંતુ તેના પાન અને મૂળમાં સૌથી વધુ પોષકતત્વો રહેલા છે. ફુલાવરના પાન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક તો હોય છે જ સાથે જ તેમાં ફુલાવર કરતાં બેગણુ વધારે પ્રોટીન, ફાઇબર, ફાસ્ફોરસ અને ત્રણ ગણુ વધારે ખનિજની સાથે ભરપૂર માત્રામાં આયર્ન અને કેલ્શિયમ મળે છે.
આંખો માટે ફાયદાકારક
ફુલાવરના પાનમાં ભરપૂર માત્રામાં વિટામિન એ રહેલું છે. જેના સેવનથી સીરમ રેટિનોલનું લેવલ વધે છે, જે આંખોને સ્વસ્થ રાખવા અને રતાંધળાપણામાં પણ ફાયદાકારક ગણાય છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે
આ પાનમાં હાઈ પ્રોટીન અને ફાઇબરની સાથે ઓછી માત્રામાં કાર્બોહાઇડ્રેટ જોવા મળે છે. તેથી તેના સેવનથી બ્લડશુગરને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તેને ડાયટમાં અલગ અલગ પ્રકારે સમાવેશ કરી શકો છો.
બાળકોમાં પોષણ
ફુલાવરના પાન પ્રોટીન અને ખનિજ તત્વોનો સારો સ્ત્રોત છે, જે બાળકોના વિકાસ અને વૃદ્ધિ માટે આવશ્યક છે. ફુલાવરના પાનનું રોજિંદા સેવનથી કરવાથી કુપોષિત બાળકોને સ્વાસ્થ્ય ફાયદાઓ થાય છે. આનાથી તેઓની ઉંચાઇ, વજન અને હીમોગ્લોબિન સ્તરમાં પણ વધારો થાય છે.
લોહીની ઉણપ
ફુલાવરના પાંદડામાં આયર્નનો ભરપૂર સ્ત્રોત રહેલો છે. એવામાં લોહીની ઉણપ દૂર કરવા માટે તેનું સેવન ફાયદાકારક સાબિત થાય છે. તેના 100 ગ્રામ પાનથી 40 મિલીગ્રામ આયર્ન મળે છે. એનિમિયાના ઇલાજમાં ફુલાવરના પાન દર્દીઓ માટે ફાયદાકારક ગણાય છે.
હૃદય માટે ફુલાવરના પાન
આ પાન એન્ટી-ઓક્સિડન્ટ્સ અને એન્ટી-ઇન્ફ્લેમેન્ટરી ગુણોથી ભરેલા છે, જે હૃદયની અનેક પ્રકારની ગંભીર બીમારીઓથી બચાવવાનું કામ કરે છે. લૉ ફેટ અને હાઇ ફાઇબરના કારણે તે કાર્ડિયાક દર્દીઓ માટે ફાયદાકારક ગણાય છે.
કેલ્શિયમથી માત્રા
આ પાન કેલ્શિયમનો શ્રેષ્ઠ સ્ત્રોત છે, જેના કારણે હાડકામાં દુઃખાવો, ઘૂંટણમાં દુઃખાવો, ઓસ્ટિયોપોરોસિસથી ગ્રસ્ત દર્દીઓ માટે ફુલાવરના પાનનું સેવન ફાયદાકારક ગણાય છે.