Published by : Anu Shukla
- મૃત મરઘીઓમાં H5N1 વેરિએંટ જોવા મળ્યો
- વાયરસના સેમ્પલ સચોટ પરીક્ષણ માટે મધ્યપ્રદેશના ભોપાલ સ્થિત લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા
કોરોના મહામારીના કહેર વચ્ચે બર્ડ ફ્લુની એન્ટ્રીથી લોકો સામે એક નવું સંકટ ઉભુ થયુ છે. કેરળમાં મોટી સંખ્યામાં મરઘીઓમાં બર્ડ ફ્લુનું સંક્રમણ સામે આવ્યુ છે. ત્યાં બર્ડ ફ્લુના સંક્રમણના કારણે 1800થી વધુ મરઘીઓના મોત થઈ ગયા છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેરળના કોઝિકોડ જિલ્લામાં એક સરકારી મરઘા પાલન કેન્દ્રમાં બર્ડ ફ્લુના ફેલાવાના કારણે 1800 મરઘીના મોત થઈ ગયા છે.
મરઘીઓમાં બર્ડ ફ્લુ વાયરસનો H5N1 વેરિએન્ટ
સરકારી મરઘાં કેન્દ્રની મરઘીઓમાં બર્ડ ફ્લુ વાયરસનો H5N1 વેરિએન્ટ નોંધાયો હતો. આ સેન્ટરને જિલ્લા પંચાયત દ્વારા સંચાલિત કરવામાં આવે છે. અધિકારીએ જણાવ્યું કે, પશુપાલન મંત્રીએ આ મામલે તત્પરતા દાખવી નિયમો પ્રમાણે રોકથામ કરવાનો નિર્દેશ આપ્યો છે.
વાયરસના સેમ્પલ તપાસ માટે MP મોકલવામાં આવ્યા
પશુપાલન મંત્રી જે ચિંચૂ રાણીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા પ્રોટોકોલ પ્રમાણે બર્ડ ફ્લુના જોખમને ઘટાડવા માટેના ઉપાય કરવામાં આવે. સરકારને પ્રાથમિક તપાસમાં બર્ડ ફ્લુના ફેલાવાના સંકેત મળ્યા છે. જોકે, વાયરસના સેમ્પલ સચોટ પરીક્ષણ માટે મધ્યપ્રદેશના ભોપાલ સ્થિત લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
જે સરકારી પોલ્ટ્રી ફાર્મ બર્ડ ફ્લુના કારણે 1800 મરઘીઓના મોત થયા છે. હવે બાકી મરઘીઓને પણ ખતમ કરવાની તૈયારી છે. જિલ્લાના અધિકારીઓની દેખરેખ હેઠળ સરકારના સંકલનથી રોગને અટકાવવા તૈયારીઓ કરવામાં આવી રહી છે.