Published by : Vanshika Gor
- ભાડભુત બેરેજ યોજના માટે વધુ ₹1415 કરોડ અને જંબુસર બલ્ક ડ્રગ્સ પાર્ક માટે બજેટમાં ₹100 કરોડની જોગવાઈ
- સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે 565 કરોડ અને નર્મદા ડેમ માટે ગુજરાત બજેટમાં 5950 કરોડ ફળવાયા
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારના પેહલા બજેટમાં વડાપ્રધાનના ભરૂચ અને નર્મદા જિલ્લાના મહ્ત્વકાંક્ષી પ્રોજેકટ ભાડભુત બેરેજ, SOU, જંબુસર બલ્ક ડ્રગ્સ પાર્ક, નર્મદા ડેમ, ભરૂચ-દહેજ એક્સપ્રેસ વે માટે ₹8890 કરોડની જાહેરાતો કરાઈ છે.વિધાનસભામાં આજે શુક્રવારે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ ભુપેન્દ્ર પટેલની સરકારનું પહેલું બજેટ રજૂ કર્યું હતું. ગુજરાતના બજેટમાં ખાસ કરી ભરૂચ જિલ્લા માટે ભરૂચ-દહેજ એક્સપ્રેસ વે ની જાહેરાત કરાઈ છે.ભરૂચ-દહેજ 45 કિલોમીટર લાંબા સ્ટેટ હાઇવે 6 ને ₹800 કરોડના ખર્ચે એક્સેસ કંટ્રોલ્ડ એક્સપ્રેસ વે તરીકે વિકસાવાશે. જે હેઠળ બજેટમાં ₹160 કરોડની જોગવાઈ કરાઈ છે.
આ માર્ગ ઉપર પહેલાથી જ ₹420 કરોડના ખર્ચે 8 લેન એલિવેટેડ 3.5 કિમી લાંબા ફ્લાયઓવરની મંજૂરી અપાઈ છે.બીજી મહત્વની જાહેરાત હેઠળ ભાડભૂત બેરેજ યોજના ₹5400 કરોડના પ્રોજેકટમાં આ બજેટમાં ₹1415 કરોડની વધારાની જોગવાઈ કરાઈ છે. દેશના પેહલા જંબુસરના બલ્ક ડ્રગ્સ પાર્ક માટે રાજ્ય સરકારે બજેટમાં રૂપિયા 100 કરોડ ફાળવ્યા છે.ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન ધામ માટે ₹565 કરોડ અને રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા યોજના માટે રૂપિયા 5950 કરોડની જોગવાઈ બજેટમાં કરાઈ છે.

ભરૂચ-દહેજ હવે ExpressWay, ફરી આવશે Toll Tax
વર્ષ 2011 માં ભરૂચ-દહેજ રોડને 6 લેન કરાયો હતો. સતત વિકસતી દહેજ ઔદ્યોગિક વસાહત, બંદર, શહેરીકરણ, વધતા વાહનો, વિલાયત, સાયખા, જંબુસર જીઆઇડીસીને લઇ હવે ભરૂચ-દહેજ રોડને ₹800 કરોડના ખર્ચે એક્સેસ કંટ્રોલ્ડ એક્સપ્રેસ વે તરીકે વિકસાવવાની જાહેરાત કરાઈ છે. ભરૂચમાં પેહલા જ આ માર્ગ ઉપર જંબુસર બાયપાસથી લઈ ABC જંકશન સુધી ₹420 કરોડનો એલિવેટેડ 8 લેન 3.5 કિમી લાંબો બ્રિજ મંજુર કરાયો છે. હવે એક્સપ્રેસ વે તરીકે આ માર્ગ ડેવલોપ થતા આગામી વર્ષોમાં ટ્રાફિકના અડચણ વગર હજારો વાહનો સડસડાટ દોડશે. જોકે 12 થી 14 વર્ષ બાદ સંભવત જિલ્લા અને બહારના નાના વાહનોએ ટોલ ટેક્ષ ચૂકવવા પણ તૈયાર રહેવું પડશે.
ભાડભુત બેરેજ યોજના ₹800 કરોડથી હાલ 5400 કરોડ ઉપર પોહચી
નર્મદા નદીમાં સમુદ્રના આક્રમણને રોકવા ભાડભૂત વિયર કમ કોઝવે પ્રોજેકટ મુકાયો હતો. સમયની થપાટ અને વર્ષોના વહાણાને લઈ 800 કરોડની યોજના આજે ₹5400 કરોડ ઉપર પોહચી ગઈ છે. વર્ષ 2019થી બેરેજની કામગીરી શરૂ કરાઇ છે. હાલ મેઇન બેરેજ અને સિવિલ વર્ક ચાલી રહ્યું છે. અંકલેશ્વર કાંઠાના ખેડૂતોની જમીન સંપાદનને લઈ ઇમબેરેક બનાવવાની કામગીરી વિલંબમાં પડી છે.
SOU નવા આકર્ષણો અને વિશ્વકક્ષાની ડ્રાઇવ ઇન સફારી માટે ₹565 કરોડની જોગવાઈ
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મહામારીના 4 વર્ષમાં જ એક કરોડથી વધુ પ્રવાસી નોંધાયા છે. વિશ્વકક્ષાની ડ્રાઈવ ઇન સફારી, અન્ય મ્યુઝિયમ અને આકર્ષણો માટે આ બજેટમાં ₹565 કરોડ ફળવાયા છે. સાથે જ કેવડિયા SOU એકતાનગરના આસપાસના ગામો માટે પાણી સહિતની સવલતો માટે ₹10 કરોડની જોગવાઈ કરાઈ છે.
સાપુતારા-SOU પ્રવાસન સર્કિટ માટે બજેટમાં ₹140 કરોડ ફળવાયા
રાજ્ય સરકારે વિશ્વકક્ષાના પ્રવાસન ધામ સ્ટેચ્યુ ઓફ યુનિટીને સાપુતારાથી જોડવા અગાઉ જાહેરાત કરી હતી. SOU-સાપુતારા ટુરિઝમ સર્કિટ માટે 218 કિલોમીટરનો રસ્તો બનાવવા 95 કિમી માટે ₹219 ની જોગવાઈ પૈકી આ બજેટમાં રૂપિયા 140 કરોડ ફાળવવાની જાહેરાત કરાઈ છે. રાજપીપળા ખાતે બીરસામુંડા યુનિવર્સીટી માટે રૂપિયા 10 કરોડ અને હોમ સ્ટે માટે રૂપિયા 9 કરોડની જહેરાત કરાય છે.
સરોવર નર્મદા ડેમ યોજના માટે ₹5950 કરોડ
સરદાર સરોવર નર્મદા ડેમ યોજના થકી ગુજરાતમાં 10,000 ગામો અને 176 શહેરોને પીવાનું પાણી પૂરું પડાય છે. SSNNL ની મુખ્ય કેનાલના 70,000 કિલોમીટરના નેટવર્ક દ્વારા 18 લાખ હેકટરમાં સિંચાઈ ઉપલબ્ધ કરાવાઈ છે. અત્યાર સુધી સરદાર સરોવરના જલવિધુત મથકે 6 કરોડ યુનિટ વીજળી ઉતપન્ન કરી છે. સરદાર સરોવર માટે ગુજરાતના બજેટમાં ₹5950 કરોડની જોગવાઈ કરાઈ છે. તો ગરૂડેશ્વર વિયર અને તેના વીજ ઉત્પાદન મથકો અને નહેરોના સમારકામ માટે ₹ 50 કરોડ ની જાહેરાત કરાઈ છે.
દહેજ PCPIR અને જંબુસર બલ્ક ડ્રગ્સ પાર્ક માટે ₹288 કરોડ
રાજ્યના વિકાસમાં કૃષિ, પ્રવાસન સાથે ઉધોગો પણ મહત્વનો આધાર સ્તંભ હોય રાજ્યના બે SIR, દહેજ PCPIR માં વિશ્વ કક્ષાની માળખાગત સુવિધા વિકસાવવા ₹188 કરોડની જોગવાઈ કરાઈ છે. તો દેશના પેહલા બલ્ક ડ્રગ્સ પાર્ક જંબુસરમાં કેન્દ્રના ₹1000 કરોડના યોગદાને નિર્માણ પામનાર હોય જે માટે ગુજરાત સરકારે બજેટમાં ₹100 કરોડ હાલ ફાળવા છે.