Published By : Aarti Machhi
હવે ગમે ત્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થાય તેવી સંભાવના છે ત્યારે ભાજપની ગૂજરાત રાજ્ય સરકારે મોટો દાવ ખેલી લીધો છે. આચારસંહિતા અમલી થાય તે પહેલા સરકારની છેલ્લી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં સમાન નાગરિક ધારો લાગુ કરવાની મંજૂરી આપી દીધી હતી. સરકારે કહ્યું છે કે જો આગામી ચૂંટણીમાં ભાજપ સરકાર બનશે તો સમાન નાગરિક ધારો લાગુ કરાશે. તે સાથે એમ પણ જણાવાયું હતું કે આ માટે પહેલાં સરકાર સુપ્રીમ કે હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયધીશના વડપણ હેઠળ એક કમિટી બનાવશે જેમાં ત્રણ કે ચાર નિષ્ણાત હશે, તેઓ મળીને ગુજરાતમાં સમાન નાગરિક ધારો લાગુ કરવો કે નહીં અથવા તો કેવી રીતે કરવો તે નક્કી કરી સરકારને જણાવશે.આ નિર્ણય સરકારની કેબિનેટ બેઠકમાં લેવાયો પરંતુ તેની જાહેરાત ભાજપના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ પરથી કેન્દ્રીય પશુપાલન મંત્રી પુરષોત્તમ રૂપાલા અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી હતી. તેમણે જણાવ્યું કે અમારા પક્ષ ભાજપના ત્રણ મહત્ત્વના મુદ્દા રહ્યા છે. રામ મંદિર નિર્માણ, કાશ્મીરમાંથી 370ની કલમની નાબૂદી અને દેશમાં દરેક નાગરિકો માટે સમાન નાગરિક ધારો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર જન સમુદાયના હિતને ધ્યાને લઇને આ નિર્ણય લીધો છે.બહુપત્નીત્વ-તલાકના કાયદા પર અને વકફની સંપત્તિ પર અંકુશ સમાન નાગરિક ધારા હેઠળ રાજ્યના દરેક નાગરિક માટે એક જ પ્રકારના દીવાની કાયદા લાગુ રહેશે. જેમાં લગ્ન, છૂટાછેડા, દત્તક સંતાન, વારસાઇ, મિલકતની વહેંચણી, ધાર્મિક મિલકતો વગેરે માટે વિવિધ ધર્મ પાળનારા માટે જુદા પર્સનલ લૉ બોર્ડ છે તેને સ્થાને દરેકને એક જ કાયદો હશે. તેથી મુસ્લિમોમાં બહુપત્નીત્વ અને તલાકના નિયમો પર અંકુશ આવશે. એવી જ રીતે, મુસ્લિમ ધાર્મિક સંસ્થાઓની વકફ બોર્ડની મિલકતો પર અન્ય સખાવતી સંસ્થાઓ પર લાગુ પડતાં કાયદા જ લાગુ થશે.
જૉકે આ જાહેરાત કરતી વખતે કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાએ કહ્યું કે હજુ રાજ્ય સરકારે આ કાયદામાં કયા નિયમો અને મુસદ્દા આવરી લેવા તે અંગે કોઇ જાહેરાત કરી નથી. જજના વડપણ હેઠળની કમિટી બન્યા બાદ તેઓ સરકારને અભિપ્રાય આપશે. સાથે જ વિધાનસભા ચૂંટણી પહેલા સરકાર આ મુદ્દે પ્રચાર કરશે. બહુમતી મતદારો માટે આ પ્રકારનો પ્રચાર ખુબ આકર્ષક સાબીત થશે.
હાલમા ગોવામાં રાજ્ય સરકારે સમાન નાગરિક ધારો લાગુ કરેલો છે અને તે ભારતનું એકમાત્ર રાજ્ય છે, જ્યાં આ કાયદો છે. ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશની ભાજપ શાસિત રાજ્ય સરકારોએ વિધાનસભાની ચૂંટણી પહેલા આ કાયદો લાગુ કરવાની જાહેરાત કરી હતી. અલબત્ત એક પણ ભાજપ શાસિત રાજ્યે હજુ સુધી આ કાયદો અમલી કર્યો નથી.