Published by : Vanshika Gor
છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે ગુજરાતવાસીઓ ઠૂંઠવાયા છે જોકે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આ ઠંડીથી આંશિક રાહત મળશે. તાપમાનનો પારો ઉંચકાતા આકરી ઠંડીનું જોર ઘટશે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે તાપમાનના આશરે 3 ડિગ્રી જેટલો વધારો થશે જેના કારણે થોડી રાહત થશે.
જોકે છેલ્લા બે ત્રણ દિવસથી મોડી રાત્ર અને વહેલી સવારે ફૂંકાતા ઠંડા પવનોને કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. નાના શહેરોમાં સાંજથી જ જાણે સન્નાટો ફેલાઈ જતો હતો અને રસ્તા ઉપર અવર જવર ઓછી થઈ ગઈ હતી. ઠંડીના ચમકારાને કારણે લોકોની અવરજવર બંધ થતા રસ્તા પણ સૂમસામ જોવા મળ્યા હતા. કેટલાક શહેરોમાં વાલીઓએ બાળકોની શાળાનો સમય બદલવા માટે પણ માંગણી કરી હતી.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી તાપમાનમાં વધારો થતા ઠંડીમાં રાહત
હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ ઉમેર્યું હતું કે વેસ્ટર્ન ડિર્સ્ટબન્સ વધવાને પગલે ગુજરાતમાં ઠંડી થોડી ઘટશે. દરેક જિલ્લાના તાપમાનમાં આશરે 3થી 4 ડિગ્રીનો વધારો થતા તેમજ ઠંડા પવન ઘટતા ઠંડી થોડી ઘટશે.