Home News Update Nation Update રિવાબા જાડેજાએ જામનગરમાં ચેકિંગમાં ટેપથી રોડની જાડાઈ માપી, પછી કોન્ટ્રાક્ટરને ખખડાવ્યો…

રિવાબા જાડેજાએ જામનગરમાં ચેકિંગમાં ટેપથી રોડની જાડાઈ માપી, પછી કોન્ટ્રાક્ટરને ખખડાવ્યો…

0

Published by : Anu Shukla

ટીમ ઈન્ડિયાના ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા વિધાનસભાની ચૂંટણીમાં જામનગર ઉત્તર બેઠકથી લડ્યા અને જીત્યા હતા. ધારાસભ્ય બન્યા બાદથી જ રિવાબા સતત લોકોને મદદરૂપ થવાની સાથે સાથે સ્થાનિક વિસ્તારમાં થઈ રહેલા સરકારી કામકાજ પર નજર રાખી રહ્યા છે. ત્યારે આજે ગોકુલ નગરમાં ચાલતા RCCના રોડમાં ગેરરીતિ જણાતા રિવાબાએ અધિકારીઓ અને સ્થાનિકોની સામે જ કોન્ટ્રક્ટરને ખખડાવી નાખ્યા હતા અને ફરીથી યોગ્ય માપદંડો મુજબ રોડ બનાવવા સૂચન કર્યું હતું.

સ્થાનિકોએ રોડનું નબળું કામ થતું હોવાની ફરિયાદ કરી હતી

જામનગરમાં વોર્ડ નંબર 15માં આવતા ગોકુલનગરના મથુરા નગરમાં ચાલતા RCCના રોડમાં નબળું કામ થતું હોવાની જાણ સ્થાનિકોએ કરી હતી. જેને લઈને રિવાબા તપાસ કરવા મહાનગરપાલિકાના અધિકારીઓને સાથે રાખીને ત્યાં પહોંચી ગયા હતા. રોડની મેઝર ટેપથી તપાસ કરતા 6 ઈંચની જગ્યાએ માત્ર 3 ઈંચની જોડાઈ રોડમાં હતી. આ બાદ તેમણે કોન્ટ્રાક્ટરને સવાલ કરતા સાપ સૂંઘી ગયો હોય તેવા હાલ થઈ ગયા હતા. રિવાબાએ તાત્કાલિક ધારાધોરણો મુજબ કામ કરવાના આદેશ કર્યા હતા.

રિવાબાએ અધિકારીઓને સાથે રાખી નિરીક્ષણ કર્યું

વોર્ડ 15માં નવા બનતા રોડ-રસ્તાનું સુપરવિઝન કરવા માટે નીકળ્યા હતા. જેમાં ધારાધોરણો અને પહોળાઈ તથા જાડાઈના ધોરણોમાં ક્ષતિ જોવા મળી હતી. આથી જે-તે કોન્ટ્રાક્ટરને ફરીથી કામ કરવા સૂચના આપી છે. જે કોઈ પણ અધિકારીઓ આ મુદ્દા સાથે સંકળાયેલા હશે તેમની આગળ તપાસ કરી આવી ભૂલો અટકાવવા તેમને યોગ્ય દંડ અને સજા કરાવીશું. આ સાથે તેમણે મતદારોને પણ જાગૃત થઈ આવી બેદરકારી ક્યાંય જણાય તો ધ્યાન દોરવા જણાવવા કહ્યું હતું.

રોડ-રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓના કામમાં ઉપરની મલાઈ લેવા કેટલાક શખ્સો નબળી ગુણવત્તાવાળું કામ કરી, પ્રજાને ગુણવત્તા વગરનું કામ કરી વાહવાહી કરતા હોય છે. જો કે, આવા ભ્રષ્ટાચારીઓ પર નવનિયુક્ત જન પ્રતિનિધીએ લાલ આંખ બતાવતા, સ્થાનિક લોકોમાં ધારાસભ્યની કામગીરીને લઈને ઉત્સાહ અને સંતોષકારક કામગીરી થયાની ચર્ચાઓ સાથે ધારાસભ્યને લોકોએ બિરદાવ્યા હતા.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version