ગુજરાત માટેના ડ્રીમ પ્રોજેક્ટ એવા અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટના ફેઝ-1માં થલતેજથી વસ્ત્રાલ સુધીના રૂટની મેટ્રો ટ્રેનનો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવરાત્રી દરમિયાન કરવામાં આવશે. તા. 30 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ હેલ્મેટ સર્કલ પાસેથી વડાપ્રધાન દ્વારા ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. ત્યાર બાદ થલતેજમાં આવેલા દૂરદર્શન પાસેના ગ્રાઉન્ડમાં જાહેર સભા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરે એવી પણ શક્યતા જણાઈ રહી છે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/09/385810-ahmmetrozee.jpg)
છેલ્લા ઘણા સમયથી અમદાવાદીઓ જેની રાહ જોતા હતા એવી મેટ્રો ટ્રેનની ભેટ નવરાત્રિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બર એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે છે ત્યારે 30 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી થલતેજ થી વસ્ત્રાલ ગામના કોરિડોર પર મેટ્રો ટ્રેનની શરૂઆત કરાવશે. મેટ્રો ટ્રેનના શુભારંભને લઈ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસતંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદમાં દોડનારી મેટ્રો ટ્રેનનો પહેલો ફેઝ 40 કિલોમીટરનો છે, જેમાં પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર અને દક્ષિણ એમ બે કોરિડોર પર મેટ્રો ટ્રેન દોડશે. ફેઝ-1માં 32 સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. પૂર્વ અને પશ્ચિમ કોરિડોર 21.16 કિલોમીટરનો છે, જે થલતેજ ગામથી લઈને વસ્ત્રાલ એપરલ પાર્ક સુધીનો છે, જેમાં 17 સ્ટેશન છે. ઉત્તર અને દક્ષિણ કોરિડોર 18.87 કિલોમીટરનો રહેશે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/09/download-20.jpg)
થલતેજ ગામ,દૂરદર્શન કેન્દ્ર,ગુજરાત યુનિવર્સિટી, કોમર્સ છ રસ્તા, સ્ટેડિયમ, જૂની હાઈકોર્ટ, શાહપુર, ઘી કાંટા, કાલુપુર રેલવે સ્ટેશન, કાંકરિયા પૂર્વ, એપરેલ પાર્ક, અમરાઈવાડી, રબારી કોલોની, વસ્ત્રાલ, નિરાંત ક્રોસ રોડ, વસ્ત્રાલ ગામ
અમદાવાદ મેટ્રો ટ્રેનની 2003થી અત્યારસુધીની કામગીરી
- 2003માં મેટ્રો ટ્રેન માટે ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ રચાયું
- 2005માં ગુજરાત સરકારે મેટ્રો રેલનો પ્રોજેક્ટ રિપોર્ટ મૂકતાં કેન્દ્ર સરકારે મંજૂરી આપી
- 2005માં પ્રોજેક્ટને પડતો મૂકી BRTS બસ સર્વિસને અગ્રતા આપી
- 2010માં ગુજરાત મેટ્રો રેલ રેલ કોર્પોરેશન નવું નામકરણ કરાયું
- 2014માં ઓક્ટોબરમાં ફરી કેન્દ્ર સરકારે ફેઝ-1 માટે મેટ્રો પ્રોજેક્ટ મંજૂર કર્યો
- 2015માં 14 માર્ચે ફેઝ–1ની કામગીરીનો આરંભ થયો
- 2018માં ડિસેમ્બરના અંતમાં મુ્ન્દ્રા પોર્ટ પર 3 કોચ ઉતારાયા
- 2019માં 28 ફેબ્રુઆરીએ મેટ્રો ટ્રેનના 28 કિમીના ફેઝ–2ની કેન્દ્ર સરકારે મંજૂરી આપી
- 2019માં 4 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીની મેટ્રો ટ્રેન સેવાને લીલીઝંડી આપી મુસાફરી કરી
- 2019માં 6 માર્ચથી જાહેર જનતા માટે 6.5 કિમીની વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીના રૂટની મેટ્રો ટ્રેન શરૂ થઈ
- 2020માં જાન્યુઆરીથી ફેઝ-2ની મેટ્રો રૂટ પર કન્સ્ટ્રક્શન કામગીરી શરૂ થઈ
- 2020માં 28 ઓગસ્ટે એપરલ પાર્કથી શાહપુર સુધીની અંડરગ્રાઉન્ડ ડબલ ટનલનું ખોદકામ પૂર્ણ
- 2020માં કોરાનાને કારણે માર્ચમાં મેટ્રો ટ્રેન ચલાવવાનું બંધ કરવામાં આવ્યું
- 2020માં 7 સપ્ટેમ્બરથી ફરી કોરોના ગાઈડલાઈન્સ મુજબ મેટ્રો ટ્રેન શરૂ કરાઈ
- 2021માં મોદીએ અમદાવાદ મેટ્રો ફેઝ-2 અને સુરત મેટ્રોનો શિલાન્યાસ કર્યો હતો