Published by : Anu Shukla
- સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક ડ્રોન કેમેરા સાથે એક વ્યક્તિને અટકાવી દીધો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજરોજ વડોદરા ખાતે કમાટી બાગમાં આયોજિત બાળમેળાના કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. તે ઉપરાંત તેમણે વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત VCCI Expo 2023 નું ઉદ્દઘાટન કર્યું હતું. આ દરમિયાન બાળમેળાના ઉદ્ઘાટનમાં સ્ટેજ પાસે જ અચાનક એક ડ્રોન ઉડતું આવ્યું હતું. આ ઘટનાને લઈ સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક ડ્રોન કેમેરા સાથે એક વ્યક્તિને અટકાવી દઈ પુછપરછ શરૂ કરી હતી. મુખ્યમંત્રીની સુરક્ષામાં મોટી ચૂક થતાં સુરક્ષા કર્મીઓ એલર્ટ થઈ ગયાં હતાં.
મુખ્યમંત્રીના સ્ટેજ પાસે ડ્રોનથી શૂટિંગ કર્યું
કોર્પોરેશનની શિક્ષણ સમિતિ દ્વારા ફોટો વીડિયોનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવ્યા ત્યારે ડ્રોન કેમેરાથી શૂટિંગ થતું હતું તે પોલીસે અટકાવ્યું હતું. ત્યારે ડ્રોન ચલાવતા કેમેરામેન દ્વારા પોલીસ મંજૂરી ન લીધી હોવાથી પુછપરછ શરૂ કરવામાં આવી હતી. બીજી બાજુ ડ્રોન ચલાવનાર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સી.એમ સિક્યુરિટીએ ડ્રોન કેમેરાથી શૂટ કરનારને અટકાવી પૂછપરછ શરૂ કરી હતી.
વડોદરા પોલીસની કામગીરી સામે સવાલો
ડ્રોનથી શૂટ કરવા વ્યક્તિને પોલીસ દ્વારા અટકાવી દેવામાં આવ્યો હતો અને ડ્રોન જપ્ત કરી લેવાયું હતું. આ ઘટનાને લઈને પોલીસે પણ તે વ્યક્તિની પુછપરછ કરી હતી. મુખ્યમંત્રીની સુરક્ષામા આવી ચૂક થતાં ગૃહ વિભાગ આની તપાસ માટે સક્રિય થશે. ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે આવી ઘટના બનતાં વડોદરા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યાં છે.