Published by : Rana Kajal
ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કરાયા બાદ વડોદરા જિલ્લાની પાંચ બેઠકો પૈકી વાઘોડિયા, કરજણ અને પાદરા બેઠક ઉપર બળવાના એધાણ જણાઈ રહ્યા હતા. વાઘોડિયા બેઠકના વર્તમાન ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને કરજણ-પાદરાના ભાજપના પૂર્વ ધારાસભ્યઓ અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.તેથી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વાઘોડિયા પહોંચ્યા હતા. જ્યાં તેઓએ પ્રથમ કાર્યકરો બેઠક યોજી હતી.પરંતુ મળતી માહીતી મુજબ મધુ શ્રીવાસ્તવ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા.
જૉકે વાઘોડિયા બેઠક ઉપર સ્થાનિક લોકોના વિરોધને કારણે 7મી ટર્મ માટે ચૂંટણી લડવા માંગતા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપી અગાઉ જિલ્લા પંચાયતની ચૂંટણી હારી ગયેલા જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કરજણ બેઠક ઉપર કોંગ્રેસમાંથી ભાજપમાં આવી ધારાસભ્ય બનેલા અક્ષય પટેલને રિપીટ કરવામાં આવતા કરજણ બેઠકના પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ (નિશાળીયા) અને પાદરા બેઠક ઉપર પાદરા નગર પાલિકાના પ્રમુખ ચૈતન્યસિંહ ઝાલાને ટિકિટ આપવામાં આવત પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલે (દિનુ મામા) કાર્યકરોના ખભે બંદુંક મૂકી અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.વાઘોડિયા, કરજણ અને પાદરાના નારાજ વર્તમાન ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને કરજણ-પાદરાના ભાજપ પૂર્વ ધારાસભ્યો સતિષ પટેલ (નિશાળીયા) અને દિનેશ પટેલ (દિનુ મામા)એ બળવો કરવાના એંધાણ આપતા પ્રદેશ મોવડીએ આ બાબતની નોધ લીધી હતી અને આ ત્રણે પોતાની વિધાનસભા બેઠક ઉપર ભાજપાને કોઇ નુકસાન ન કરે તે માટે તેઓને સમજાવવાના પ્રયાસો શરૂ કર્યાં હતા. સ્થાનિક હોદ્દેદારો અને પ્રદેશ કક્ષાના નેતાઓની ટેલિફોનીક વાતચીતથી વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યો ન સમજાતા આખરે પ્રદેશ ભાજપા પ્રમુખ આજે જિલ્લાની આ ત્રણે બેઠકના નારાજ દાવેદારોને સમજાવવા માટે આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
વાઘોડિયા બેઠકના વર્તમાન ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ
રાવપુરમાં ધારાસભ્યની બેઠકથી અટકળ દરમિયાન એવી પણ માહિતી મળી છે કે, પ્રદેશ ભાજપ પ્રમુખ વાઘોડિયા ખાતેની પારૂલ યુનિવર્સિટીમાં આવનાર છે. તે બાદ તેઓ કરજણ ખાતે પણ જનાર છે. આ બંને જગ્યાઓ ઉપર પહોંચ્યા બાદ ત્રણેય બેઠકના નારાજ દાવેદારો અને તેમના સમર્થકોને મળશે અને તેઓની રજૂઆત સાંભળી તેઓને સમજાવવાનો પ્રયાસ કરશે અને આ ડેમેજ કન્ટ્રોલ કાર્યવાહીમાં સફળતાં સાંપડે એમ જણાઈ રહ્યું છે.