Published By : Disha PJB
વડતાલ સ્વામીનારાયણ મંદિરમાંથી 20 સત્સંગીઓને લઇ વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ગંધારા ગામે મૂકવા માટે જઇ રહેલી બસ ગણપતપુરા ગામ પાસેના પાણી ભરેલા રેલવે ગરનાળામાં ફસાઇ જતાં સત્સંગીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. એક કલાક સુધી ગરનાળામાં ફસાઇ રહેલી વડતાલ સંત્સગની બસને ટ્રેક્ટરથી ખેંચીને બહાર કાઢવામાં આવી હતી. બસ હેમખેમ બહાર નીકળતા સંત્સગીઓએ હાશકારો અનુભવ્યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડતાલ સ્વામીનારાયણ મંદિર દ્વારા રોજ અલગ-અલગ ગામોમાંથી વડતાલ મંદિરમાં સંત્સગમાં આવતા હરીભક્તોને મુકવા જાય છે. આજે વહેલી સવારે વડતાલ સંત્સગની બસ 20 જેટલા હરીભક્તોને લઇને વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ગંધારા ખાતે જઇ રહી હતી. દરમિયાન માંગલેજ-નારેશ્વર રોડ ઉપર ગણપતપુરા રેલવે ઓવરબ્રિજ નીચે ભરાયેલા વરસાદી પાણીમાં વડતાલ સંત્સગીઓની બસ ફસાઇ ગઇ હતી. અડધી બસ પાણીમાં ગરક થઇ જતા બસમાં પણ પાણી ઘૂસી ગયા હતા.
દરમિયાન આ અંગેની જાણ ગણપતપુરા ગામના લોકોને થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. બસ ધક્કા મારીને નીકળે તેમ ન હોઇ, બસને બહાર કાઢવા માટે ટ્રેક્ટરની મદદ લેવામાં આવી હતી. બસને સાંકળ બાંધીને ટ્રેક્ટરની મદદથી બસને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. બસ હેમખેમ બહાર નીકળતા સંત્સગીઓએ રાહત અનુભવી હતી.
વડતાલ સંત્સગની બસના ચાલકે જણાવ્યું હતું કે, ગુરૂવારે ગરનાળામાં પાણી ઓછું હતું. આજે પાણી એકાએક વધી જતા બસ ફસાઇ ગઇ હતી. બસ એક કલાક સુધી પાણીમાં ફસાયેલી રહી હતી. ગામ લોકોને જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા. અને ટ્રેક્ટરની મદદથી બસને બહાર કાઢી હતી. સામાન્ય વરસાદમાં પણ આ ગરનાળામાં પાણી ભરાઇ જતું હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાઇ જતા હોય છે.
છેલ્લા ચોવીસ કલાક દરમિયાન શિનોર તાલુકામાં 19 મિ.મી. અને કરજણ તાલુકામાં 13 મિ.મી. વરસાદ પડ્યો હતો. શિનોર તાલુકાનું વરસાદનું પાણી ગણપતપુરા તરફ આવતું હોય છે. જેના કારણે શિનોર તાલુકાના વરસાદનું પાણી અને કરજણના વરસાદનું પાણી ગરનાળા તરફ આવી જતું હોવાથી ગરનાળામાં પાણી ભરાઇ જતું હોય છે. ગરનાળામાં ભરાતા પાણીનો પ્રશ્ન વહેલી તકે હલ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માંગણી કરી હતી.
ઇનપુટ : દિગ્વિજય પાઠક, વડોદરા.