ગુજરાત દ્વારા પહેલીવાર યોજવામાં આવેલી અને દેશની 36મી નેશનલ ગેમ્સની જીમ્નાસ્ટીક સ્પર્ધાઓ વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે રમાઈ રહી છે. વિવિધ રાજ્યોમાંથી મહેમાન બનેલા 174 જેટલા ખેલાડીઓ તમામ તાકાત લગાવી રમવા અને મેડલ જીતવા થનગની રહ્યાં છે. અહીં આંતરરાષ્ટ્રીય સ્તરે રમી ચૂકેલા ખેલાડીઓની રમત નિહાળવાની તક રમતપ્રેમીઓને મળી શકે છે. હરીફાઈઓ ખૂબ રોમાંચક અને કટોકટીની બની છે. જે આગામી બે દિવસોમાં જોવા મળશે.

આજરોજ સવારે સાઈ અને એસ.એ.જી.ના અધિકારીઓ તેમજ રેફ્રીઝ અને આયોજન મંડળના સદસ્યોએ વડોદરા ખાતે 36 મી નેશનલ ગેમ્સની સ્પર્ધાઓનો પ્રારંભ કરાવ્યો હતો. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ના વરિષ્ઠ નિયામક એકતા વિસ્નોઈએ,સાઈ,એસ. એ.જી.,નેશનલ ગેમ્સ આયોજન સમિતિ અને જિલ્લા રમત વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં સ્પર્ધાઓ શરૂ કરાવી હતી.પુરુષ ખેલાડીઓના કરતબોથી આ રાષ્ટ્રીય સ્પર્ધા શરૂ થઈ હતી.બપોર પછી મહિલા ખેલાડીઓ મેદાનમાં ઉતરી હતી.
આજે પુરુષ સ્પર્ધકોએ ફ્લોર એક્સરસાઇઝ,ટેબલ વોલ્ટ,પેરેલાલ બાર,હોરીઝોન્ટલ બાર,રોમન રીંગ અને પોમલ હોર્શમાં અને મહિલા ખેલાડીઓએ ફ્લોર એક્સરસાઇઝ,ટેબલ વોલ્ટ, બેલેન્સિંગ બીમ અને અન ઈવન બાર્સ માં ખેલ કુશળતાનું પ્રદર્શન કરીને સૌને અચંબિત કર્યા હતા.
સૃષ્ટિ એ પાંચ વર્ષની કુમળી વયે આ રમત રમવાનું શરૂ કર્યું હતું. તેણે જણાવ્યું કે હું ખૂબ જ રમતિયાળ સંતાન હોવાથી મારા માતાએ મને આ રમત સાથે જોડી.આ અગાઉ તેણે ખેલો ઇન્ડિયા,સ્કૂલ ગેમ્સમાં મેડલ્સ જીત્યા છે. મોટી બહેન રિતિકા જીમ્નાસ્ટ હતી એટલે તેના થી પ્રેરાઇને મલ્લિકા આ રમત તરફ વળી. તેણે ખેલો ઇન્ડિયા અને સ્કૂલ ગેમ્સમાં ચંદ્રકો જીત્યા છે અને હવે નેશનલ ગેમ્સમાં મેડલ વિનર બનવાનું ઝનૂન તેના મન પર સવાર છે.લગભગ તમામ રાજ્યોના ખેલાડીઓ આ બંનેની જેમ જ ઉત્સાહથી થનગની રહ્યાં છે.

જીમનાસ્ટિક્સ એટલે શું?
સાહસ, રોમાંચ, હિંમત, સમતુલા, શરીરની લચક, સમયસૂચકતા, સતર્કતા, ઘડીના છઠ્ઠા ભાગમાં નિર્ણય લેવાની અને અમલ કરવાની વૃત્તિ…આ તમામનો સમન્વય આ નજર ચોંટી જાય એવી રમતમાં થયો છે. વડોદરામાં શરૂ થયેલી 36 મી નેશનલ ગેમ્સના વીડિયો એની ગવાહી આપે છે.
ખેલાડીઓ વિશે:
નવી દિલ્હીની સૃષ્ટિ મનચંદા અને મલ્લિકા કુલશ્રેશ્ઠ આમ તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમી ચૂકેલી જીમ્નાસ્ટ છે પરંતુ નેશનલ ગેમ્સ માં તેઓ પહેલીવાર હરીફાઈ કરવાની છે જેનો ખાસો રોમાંચ આ બંને અનુભવી રહી છે. તેઓ સમાના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે કરવામાં આવેલી વ્યવસ્થાઓ તેમજ રમતના ઉમદા સાધનોથી ખુશખુશાલ છે અને આયોજનની પ્રશંસા કરી રહી છે.આ બંને આર્ટિસ્તિક જીમ્નાસ્ટીકની તમામ ચાર વિધાઓ એટલે કે પ્રકારોમાં હરીફોને હંફાવવા કટિબદ્ધ છે. સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ હાલમાં દેશના વિવિધ રાજ્યો અને સંઘ પ્રદેશોમાંથી આવેલા કસાયેલા ખેલાડીઓની હલચલથી ધમધમી રહ્યું છે.ગુજરાતની ટીમ પણ રોમાંચ અનુભવી રહી છે. જીમ્નાસ્ટ ના હેરત અંગેજ કરતબો જોઈને વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ હર્ષની કિલકારીઓથી ખેલાડીઓને પ્રોત્સાહિત કરી રહ્યાં છે.
(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)