- ફેક ન્યુઝનો પ્રસાર કરતા માધ્યમો સામે લાલ આંખ
- ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ અને બીજા સોશિયલ મીડિયા એકાઉન્ટ સામે પણ કાર્યવાહી
સોશિયલ મીડિયામાં ખોટા સમાચાર ફેલાવવા બદલ સરકારે મોટી કાર્યવાહી કરી છે. મળતી માહિતી મુજબ, ખોટી માહિતી ફેલાવતી ૧૦૦થી વધુ યુટયુબ ચેનલો અને અનેક વીડિયોને સરકારે બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. કેન્દ્ર સરકારનાં સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરના જણાવ્યા અનુસાર, સરકારે યુટયુબ, ફેસબુક, ટવિટર, ઈન્સ્ટાગ્રામ અને અન્ય બીજા સોશિયલ મીડિયા એકાઉન્ટ સામે કાર્યવાહી કરી છે.
અનુરાગ ઠાકુરના જણાવ્યાં અનુસાર, ખોટી માહિતીનું પ્રસારણ થતું અટકાવવા માટે કેન્દ્ર સરકારે ૧૦૪ યુટયુબ ચેનલો અને ૪૫ યુટયુબ વીડિયો બ્લોક કર્યા છે. કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું કે, ૪ ફેસબુક, ૩ ઈન્સ્ટાગ્રામ, ૫ ટવિટર એકાઉન્ટ અને૩ પોડકાસ્ટની સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે ૨ એપ્લિકેશન અને ૬ વેબસાઈટને બ્લોક કરવામાં આવી છે. સરકાર દેશની સુરક્ષા માટે જોખમી એવી ખોટી માહિતી ફેલાવતી કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં કયારેય સંકોચ કરશે નહીં. ઉલ્લેખનીય છે કે, સરકારે હાલમાં જ સુપ્રીમ કોર્ટ, ચીફ જસ્ટિસ અને વડાપ્રધાન સામે ખોટી માહિતી પ્રસારિત કરતી યુટયુબ ચેનલો સામે કાર્યવાહી કરી હતી.
બાળકોને નિશાન બનાવતી જાતીય જાહેરખબરોના સવાલના જવાબમાં અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, આવી જાહેર ખબરોની નિર્માતા કંપનીઓને સરકારે નોટિસ પાઠવી છે. તેમણે વધુમાં કહ્યું કે, આઈટી નિયમો અંતર્ગત ઓટીટી પ્લેટફોર્મની પણ શ્રેણી બનાવવામાં આવી છે. જેમાં ૭ વર્ષ, ૧૩ વર્ષ, ૧૫ વર્ષ અને એડલ્ટ કન્ટેટ સામેલ છે.