Published By : Patel Shital
- 18 વર્ષમાં 90 લાખ પ્રવાસીઓએ નિહાળ્યો નર્મદા ડેમ…
- પૃથ્વીથી ચંદ્ર સુધી RCC રોડ બને એટલું ડેમ નિર્માણમાં વપરાયેલ સિમેન્ટ કોન્ક્રીટ…
- ₹3333 કરોડની મૂળ યોજના 7 દશકમાં ₹70000 કરોડે પોહચી…
- ગુજરાતની પાણી સહિત 4 રાજ્યોની વીજ માંગને તૃપ્ત કરતો બંધ…
- રાજ્યની જનતા સરદાર સરોવરના નીર પર પ્રત્યેક્ષ-પરોક્ષ નિર્ભર…
- 5 એપ્રિલ 1961 એ પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ ડેમનો પાયો નાખ્યો હતો…
- વર્ષ 2017 માં જ 30 દરવાજા મૂકી 138.68 મીટરની ઊંચાઈ સાથે જ ડેમ સંપૂર્ણ થયો…
- નર્મદા યોજનાનો વિચાર મૂળ તો મુંબઈના જમશેદજી એમ.વાચ્છા નામના પારસી ઇજનેરને ફેબ્રુઆરી 1947માં આવ્યો હતો…
ગુજરાત સહિત 4 રાજ્યોની વીજળી-પાણીની જરૂરિયાતને તૃપ્ત કરતી ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ આજે 5 એપ્રિલે 63 માં વર્ષમાં પ્રવેશી ચુક્યો છે. અનેક વિરોધ, વિવાદો અને અંતરાયો વચ્ચે આ યોજના વર્ષ 2017માં 57 વર્ષે પૂર્ણ થઈ, જો કે હજી નેહરોની કામગીરી બાકી છે. 7 દશક પેહલા ₹3333 કરોડની અંદાજાયેલી આ યોજના પાછળ અત્યાર સુધી ₹70,000 કરોડનો ખર્ચ થઈ ચૂક્યો છે.
ગુજરાતની જીવાદોરી ગણાતી સરદાર સરોવર નર્મદા યોજનાનું ખાતમુર્હત તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના હસ્તે 5 એપ્રિલ 1961 ના રોજ કરવામાં આવ્યું હતું. આજે આ બંધના કામને શરૂ થયે 62 વર્ષ પુરા થઇ 63 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે.
ભારે વિવાદોનો સામનો કરી ચુકેલી બહુહેતુક સરદાર સરોવર નર્મદા યોજના દુનિયાની એક માત્ર એવી યોજના છે કે જે 70 વર્ષે પૂર્ણ થઈ છે. વર્ષ 1947 થી નર્મદા યોજનાનો સર્વે શરૂ થયો હતો.
ગુજરાતની આ જીવાદોરી સમાન નર્મદા યોજનાનો વિચાર મૂળ તો મુંબઈના જમશેદજી એમ.વાચ્છા નામના પારસી ઇજનેરને ફેબ્રુઆરી 1947માં આવ્યો હતો. ત્યારે દેશના પ્રથમ વડાપ્રધાન સ્વ.પંડિત જવાહરલાલ નહેરુને મળી સરકારમાં આ પ્રોજેક્ટ રજુ કર્યો જે 14 વર્ષ બાદ એટલે કે 5 એપ્રિલ 1961 માં અમલમાં આવ્યો અને ખાતમુર્હત જવાહરલાલ નહેરુના હસ્તે થયું.
સેંકડો ઇજનેર અને હજારો કારીગરોના પુરુષાર્થથી ડેમ 31 ઓક્ટોબર 2017 ના રોજ પ્રથમ વખત સર્વોચ્ચ ઊંચાઈ 138.68 મીટરે સંપૂર્ણ ભરવામાં આવ્યો હતો. નર્મદા ડેમ ઇજનેરી કાર્ય કુશળતાનો એક ઉત્તમ નમૂનો છે, આજે પણ 75 % ગુજરાત નર્મદા ડેમના નીર પર નિર્ભર છે.
છેલ્લા 70 વર્ષની તારીખ
- 1946 સેન્ટર વોટર વે ઇરીગેશન અને નેવીગેશન કમિશન દ્રારા નર્મદા બંધ બાંધવા માટે તપાસ શરૂ
- 1956 હાલના કેવડીયા કોલોની નજીકના ગોરા ગામમાં નર્મદા બંધ બનાવવા પસંદગી
- 1959 બે સ્ટેજમાં ડેમ તૈયાર કરવાનો ડ્રાફટ તૈયાર, પ્રથમ સ્ટેજમાં 160 ફુટ અને બીજા સ્ટેજમાં 300 ફુટ બંધની ઉંચાઇ
- 1961 વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ દ્રારા બંધનું ખાતમુર્હુત
- 1968 બંધનું કામ વિવાદમાં પડતા ગુજરાત સરકારે ભારત સરકારને 1956 ના ઇન્ટર સ્ટેટ વોટર ડીસ્પ્યુટ ધારા મુજબ નર્મદા ટ્રીબ્યુનલ NCB રચવાની માંગ કરી
- 1969 નર્મદા જળવિવાદ પંચ (NWDT)ની રચના
- 1972 ટ્રીબ્યુનલ દ્રારા ગુજરાતને ડાયરેકશન આપવામાં આવ્યુ કે, નર્મદાના વિસ્થાપિતોને ઉકાઇ, સાબરમતી અને હાથમતીના વિસ્થાપિતો જેવુ વળતર આપવામાં આવે.
- 1972 રાજસ્થાન અને મધયપ્રદેશ સરકારે નર્મદા બંધ સામે નો સ્ટે સુપ્રિમમાંથી ઉઠાવી લીધો
- 1987 સરદાર સરોવર ડેમ નર્મદા બંધ બનાવવાની કામગીરી શરૂ થઇ.
- 1994 મેઘા પાટકરની નર્મદા બચાવો આંદોલન સંસ્થા એ પુન:વસન અને પર્યાવરણ મુદ્દે ડેમ સામે વાંધો લીધો, સંસ્થાએ સુપ્રિમ કોર્ટમાં પીટિશન કરી
- 1999 ડેમની ઉંચાઇ 85 મીટરે પહોંચી
- 2000 ડેમની ઉંચાઇ 90 મીટરે પહોંચી
- 2002 નર્મદાનું પાણી પ્રથમ વાર કેનાલ મારફતે સૌરાષ્ટ્રની બ્રાંચ કેનાલમાં વહાવવામાં આવ્યા2002 ડેમની ઉંચાઇ 95 મીટરે પહોંચી
- 2002 વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ નર્મદા વિવાદનો અંત લાવવા સુપ્રિમ કોર્ટે રાજયોને આદેશ આપ્યો.
- 2003 ડેમની ઉંચાઇ 100 મીટરે પહોંચી.
- 2004 ડેમની ઉંચાઇ 110.64 મીટરે પહોંચી
- 2004 બંધના પાવર જનરેશનની શરૂઆત
- 2006 ડેમની ઉંચાઇ 121 મીટરની ઉંચાઇ વધારવાની માંગ સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન PM નરેન્દ્ર મોદી અમદાવાદમાં 51 કલાકના ઉપવાસ પર બેઠા.
- 2006 ડેમની ઉંચાઇ 121.92 મીટરે પહોંચી.
- 2013 સતત 81 દિવસ સુધી ડેમ ઓવરફલો
- 2008 મુખ્ય નહેરના માધ્યમથી રાજ્સ્થાન પાણી પહોંચ્યુ.
- 12 જુન 2014 ના રોજ નર્મદા કંટ્રોલ ઓથોરીટી એ ડેમને 138.68 મીટરની છેલ્લી ઉંચાઇ સુધી લઇ જવા માટે અને 30 દરવાજા ખુલ્લા રાખવાની શરતે મંજુરી મળી.
- 2016 ડેમનું સિમેન્ટ કોન્ક્રીટનું કામકાજ પૂર્ણ
- 2016 નર્મદા ડેમ ઉપર 30 દરવાજા મુકવાનું કમકાજ શરૂ
- 31 ઓક્ટોબર 2017 વડાપ્રધાને 138.68 મીટરથી પૂર્ણ ભરેલો ડેમ રાષ્ટ્રને અર્પણ કર્યો
કેનાલોનું કામ પૂર્ણ થતાં સુધીમાં ₹70,000 કરોડ જેટલો ખર્ચ
સરદાર સરોવર નર્મદા યોજના સંપુર્ણ થતા કુલ ખર્ચ ₹70,000 કરોડ લગભગ થવાની વકી છે. વળી નર્મદા ડેમમાં અત્યાર સુધી લગભગ 68.20 લાખ ક્યુબીટ મીટર કોન્ક્રીટનો ઉપયોગ થયો છે જેનાથી જો રોડ બનાવવામાં આવે તો પૃથ્વી થી ચંદ્ર સુધીનો રોડ બની શકે. નર્મદા ડેમ અમેરીકાના ગ્રાન્ટ કુલી બાદ ગ્રેવીટીમાં બીજા નંબરે આવે છે.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/04/NARMADA-DAM-1.jpeg)
138.68 મીટરની ઊંચાઈએ ફાયદા
- રાજયના 15 જીલ્લાના 73 તાલુકાના 3137 ગામોની 18.45 લાખ હેકટર જમીનને સિંચાઇનું પાણી
- રાજ્યના 8215 ગામડા અને 135 શહેરી વિસ્તારોને અવીરત પીવા માટે પાણી
- ગુજરાતમાં ખેતી તેમજ પીવાના પાણીની જરૂરિયાત માટે 6 વર્ષ સુધી સંગ્રહ
- જલવિદ્યુત મથકો પૂરી 1450 મેગાવોટ ક્ષમતા સાથે વીજ ઉત્પાદન
- ઓવરફ્લોથી થતા 427 કરોડ ઘનમીટર પાણીનો બગાડ અટક્યો
- ઉંચાઇ વધતા 4.73 મિલિયન એકર ફીટ પાણીનો સંગ્રહ
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/04/NARMADA-DAM-OVERFLOW-SIDE-VIEW.jpg)
નર્મદા ડેમમાં 76,910 અબજ લીટર પાણીનો સંગ્રહ કરી શકાય
ડેમના જથ્થાને માપવા MCM ( મિલિયન ક્યુબીક મીટર) નો ઉપયોગ થાય છે. એક MCM એટલે 10 લાખ ઘનમીટર પાણી. સરળ રીતે સમજીએ તો એક ઘનમીટર બરાબર 1000 લીટર પાણી તેથી મિલિયન ક્યુબીક મીટર એટલે 100 કરોડ લીટર. નર્મદા ડેમની ક્ષમતા 7691 MCM છે. જે 769,10,00,00,00,000 થાય. જે પ્રમાણે ડેમમાં 76,910 અબજ લીટર પાણીનો સંગ્રહ કરી શકાય છે.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/04/NARMADA-DAM-BACK-SIDE-VIEW-1024x571.jpg)
27 બુર્જ ખલિફા બને તેટલું કોન્ક્રીટ ડેમમાં વપરાયું
ઉપરવાસમાંથી સરદાર સરોવર નર્મદા ડેમમાં આવતા પાણીના પ્રવાહને 450 ટનનો એક દરવાજો એમ કુલ 30 રેડિયલ દરવાજા રોકે છે. એ એક દરવાજાનું વજન 150 હાથીના વજન જેટલું થાય છે. સરદાર સરોવર ડેમની નીક (સ્પિલવે) પર 4500 હાથી બેઠા હોય એમ કહી શકાય. એ તમામ ગેટની વોટર ડિસ્ચાર્જ કેપેસિટી 30 લાખ ક્યુસેકની છે. સરદાર સરોવર નર્મદા ડેમ બનાવવા માટે 6.8 મિલિયન ક્યુબિક મીટર કોન્ક્રીટનો ઉપયોગ થયો છે. એટલા કોન્ક્રીટથી 27 બુર્જ ખલિફાનું નિર્માણ થઈ શકે છે. (બુર્જ ખલિફા એ UAE ખાતે આવેલી વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે).”
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/04/NARMADA-DAM-CIMENT.jpg)
દુનિયાની સૌથી લાંબી પાકી સિંચાઈ કેનાલ
સરદાર સરોવર નર્મદાની દુનિયાની સૌથી લાંબી પાકી સિંચાઈ કેનાલ છે. જેમાં અત્યારે 17 હજાર કરોડ લીટર એટલે કે કુલ ક્ષમતાના 77 % પાણી છે. આ ડેમની પાસેથી જ 458 કિમી લાંબી કેનાલ શરૂ થાય છે. કેનાલમાં એટલું પાણી છે કે અમદાવાદની આખા વર્ષની તરસ અને ન્યુયોર્ક શહેરની 2 મહિનાની તરસ છીપાવી શકે છે.
કેનાલ દ્વારા 25 ડેમ, 750 તળાવો ભરાઈ છે
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/04/NARAMDA-DAM-OVERFLOW.jpg)
ગુજરાત રાજ્યની 75 % વસ્તીને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. નર્મદા કેનાલ દ્વારા રાજ્યના ખૂણે ખૂણે પહોંચતા પાણીથી 18 લાખ હેક્ટર એટલે કે કુલ ખેતીલાયક વિસ્તારના 15 % જમીનમાં સિંચાઈનો લાભ મળે છે. નર્મદા કેનાલની કુલ લંબાઈ 458 કીમી છે કેનાલમાં કુલ સંગ્રહિત ક્ષમતા 22,000 કરોડ લીટર જ્યારે કેનાલમાં અત્યારે પાણીનો જથ્થો 17,100 કરોડ લીટર છે. 10,000 ગામ, 175 શહેર નર્મદાનું પાણી પીવા માટે મેળવે છે. 18 લાખ હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી મળે છે. નર્મદાની કેનાલ દ્વારા 25 ડેમ, 750 તળાવો ભરાય છે.