- રૂ 19.32 લાખ લઈ સુરતના 3 ડોક્ટરો સહિત 33ને દુબઈ મોકલી અધવચ્ચે છોડી દેવાયા….
- ડોક્ટરોએ દુબઈમાં 11.12 લાખ ચુકવ્યા ત્યારે ફરી શક્યા….
સુરતના મોટી વેડના હોલી ડે સ્ટોપેજ ટ્રાવેલ્સના માલિકે રૂ 19.32 લાખ લઈ સુરતના 3 ડોકટરોઅને તેમનાં પરિજનો સહિત 33ને દુબઈ ફરવા મોકલ્યા હતા. દુબઈમાં ત્યાંના એજન્ટને રૂપિયા ન મળતા અધવચ્ચે પ્રવાસ અટકાવી દેવાની વાત કરી હતી. આથી ડોકટરોએ તાત્કાલિક રૂ 11.12 લાખ આપ્યા હતા. દુબઈથી એજન્ટ હર્ષદ પટેલ પાસે રૂપિયા માંગ્યા તો તેણે 11.12 લાખ આપ્યા ન હતા, જેથી મામલો રાંદેર પોલીસમાં ગયો હતો.
રાંદેરના ડોક્ટર સંજય પટેલની ફરિયાદના આધારે પોલીસે મોટીવેડ ખાતે હોલીડે સ્ટોપેજ ટ્રાવેલ્સના હર્ષદ ખુશાલ પટેલ (રહે, કાનજીનગર)સામે ઠગાઈનો ગુનો નોંધી ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, ડો. સંજય પટેલ, ડો. કિશોર પાટીલ અને ડો. વિજય પંડ્યા પરિવાર સાથે દિવાળીમાં દુબઈ ફરવા જવાનું નક્કી કર્યું હતું. ડો. સંજય એજન્ટ હર્ષદ પટેલને મળ્યા તો તેણે વીઝા-ટિકિટ, ફરવા, ખાવા-પીવા અને રહેવાના ખર્ચ માટે વ્યકિત દીઠ 61 હજાર નક્કી કર્યા હતા.
આથી ડોકટરોએ 33 લેખે 19.12 લાખ આપ્યા હતા. એજન્ટ પણ સાથે દુબઈ જવાનો હતો પરંતુ પાછળથી બીજી ફ્લાઇટમાં આવવાનું કહી છટકી ગયો હતો. જ્યારે 33 જણા દુબઈ પહોંચ્યા તો દુબઇના એજન્ટ અરવિદ ટીટાને રૂ 11.12 લાખ મળ્યા ન હતા. જેથી તેણે દુબઈમાં ફરવા લઈ જવાની ના પાડી હતી. જેથી ડોકટરો તાત્કાલિક રૂપિયા આપતાં આખરે ફરી શક્યા હતા.