Published by : Rana Kajal
- બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં લાગેલી આગે કંપનીમાં રહેલા ફાઇબર રેઇનફોર્સડ પોલીમર્સને ચપેટમાં લીધું
- મંદીના લીધે કામ બંધ હોય કોઈ જાનહાની નહિ, ઘટના સમયે હાજર 12 જેટલા કામદાર સુરક્ષિત
- એક કલાક સુધી 7 ફાયર ટેન્ડરોએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી
અંકલેશ્વર GIDC માં આવેલી નિરંજન લેબોરેટરી કંપનીને બાજુના ખુલ્લા પ્લોટમાં લાગેલી આગે ચપેટમાં લેતા 7 ફાયર ફાઈટરોએ એક કલાક પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી.
અંકલેશ્વર GIDC માં એશિયલ પેઈન્ટ્સ ચોકડી નજીક 14 વર્ષથી નિરંજન લેબોરેટરી કાર્યરત છે. કંપની ફાર્માસ્યુટિકલ કેમિકલ્સ, ઇન્ટરમીડિયેટ્સ અને સ્પેશિયલીટી કેમિકલ્સનું ઉત્પાદન કરવા સાથે 12 દેશોમાં નિકાસ કરે છે.
જોકે છેલ્લા 15 દિવસથી મંદીના કારણે કંપનીમાં કામકાજ બંધ છે. ગુરૂવારે બપોરે 12.15 ના અરસામાં કંપનીમાં આકસ્મિક આગ ભભૂકી ઉઠી હતી. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં 12 જેટલા કામદારો સલામત બહાર આવી ગયા હતા.
અંકલેશ્વર DPMC, પાનોલી અને અન્ય કંપનીના 7 ફાયર ફાઈટરોએ દોડી આવી એક કલાકમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. પોલીસ અને જીપીસીબી સાથે ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ અને સેફટી વિભાગની ટીમ પણ દોડી આવી હતી.
પ્રાથમિક તપાસમાં નિરંજન લેબોરેટરી બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં લાગેલી આગે કંપનીને ચપેટમાં લીધી હોવાનું સામે આવ્યું છે. કંપનીમાં રહેલ ફાઇબર રેઇનફોર્સડ પોલીમર્સ FRP ના કારણે આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું અને ઝડપભેર પ્રસરી હોવાનું બહાર આવ્યું છે. ખુલ્લા પ્લોટમાં લાગેલી આગે કંપનીને લપેટમાં લીધી હોવા અંગે તથ્ય સેફટી એન્ડ હેલ્થ વિભાગ ચકાસી રહ્યું છે.




