Published by : Anu Shukla
- અંકલેશ્વરની પવન ઇન્ડેન એજન્સીના ઘરેલું ગેસ બોટલોમાંથી કોમર્શિયલ બોટલો ભરવાનું 6 મહિનાથી રેકેટ
- ટેમ્પો ડ્રાઈવર અને હેલ્પર માલિકના કહેવાથી આચરતા કાંડ, ત્રણની ધરપકડ
- હાઇવે ઉપર ફાર્મહાઉસ રૂપિયા 6 હજારમાં ભાડે રાખી ચલાવાતો વેપલો
અંકલેશ્વર હાઈવે ઉપર ઉછાલી ગામે 6 મહિનાથી ફાર્મહાઉસ ₹6 હજારથી ભાડે રાખી ઘરેલુ ગેસમાંથી કોમર્શિયલ ગેસ ભરવાનું રિફિલિંગ કૌભાંડ LCB એ પકડી પાડ્યું છે.
મૂળ રાજસ્થાનના અને હાલ અંકલેશ્વરના કાપોદ્રા ગામે રહેતા માલિક રતિલાલ ગોદારાના કહેવાથી બોલેરો પીકઅપ ટેમ્પાનો ચાલક હેતરામ ઉર્ફે હિતેશ ભાદુ અને હેલ્પર સુનિલ બિશ્નોઈ ગેસ રિફીલિંગનું કૌભાંડ ચલાવતા હતા.
અંકલેશ્વર ઓ.એન.જી.સી. પાસેની પવન ઇન્ડેન ગેસની એજન્સીમાંથી ઘરેલુ ગેસના બોટલ ભરી આ ટેમ્પોના ડ્રાઈવર અને હેલ્પર ઉછાલી ગામે રાખેલા ફાર્મ હાઉસ ઉપર પોહચતા હતા. ફાર્મ હાઉસની દેખરેખ રાખતા હસમુખ પટેલને આ રીફલિંગ કાંડ માટે મહિને 6 હજાર આપી ગોરખ વેપલો ધમધમવાતો હતો.

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચને ગેસ રિફીલિંગની જાણ થતાં PI ઉત્સવ બારોટની સૂચનાથી PSI એમ.એમ. રાઠોડે ફાર્મ હાઉસ ઉપર દરોડો પાડતા હસમુખ બહાર દેખરેખ રાખતો જ્યારે હેલ્પર અને ડ્રાઈવર અંદર લાલ અને ભુરો સિલિન્ડર સામ સામે આડા પાડી ઘરેલુ ગેસ બોટલમાંથી ચોરી કરતા પકડાઈ ગયા હતા.
એલસીબીએ સ્થળ પરથી ઘરેલુ ગેસના સિલબદ્ધ 70 બોટલ, 4 નાના સિલિન્ડર, સીલ ખોલેલ એક બોટલ તેમજ ભૂરા કોમર્શિયલ મળી કુલ 82 બોટલો, રિફિલિંગ પાઇપ, બે વજન કાંટા, બોટલોના સીલ, બે મોબાઈલ, ટેમ્પો મળી કુલ 7.17 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

ગ્રાહકોને ગેસના ઘરેલુ સિલિન્ડરની ડિલિવરી આપતા પેહલા તેમાંથી ગેસ ચોરી લઈ કોમર્શિયલ બોટલો ભરી વેચવાનાં આ કૌભાંડમાં સ્થળ પરથી ત્રણેય આરોપીની ધરપકડ કરાઈ છે. જ્યારે માલિક રતીલાલને વોન્ટેડ જાહેર કરાયો છે.