Published by : Anu Shukla
- ગેરકાયદેસર ચાલતી આખે આખી સ્કીમના ૮૪ મકાનો તોડી પડયા
- કોન્ટ્રકટર દ્વારા સતત અવગણના બાદ લેવાયો મોટો નિર્ણય
અંકલેશ્વર તાલુકાના કોસમડી ખાતે આવેલ ૨૩૨ મકાનોની સ્કીમ પર આજે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને ૮૪ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા.
અંકલેશ્વર તાલુકાના કોસમડી ખાતે સંજય પટેલ નામના કોન્ટ્રાકટર દ્વારા શિવાંજલી રેસીડેન્સી નામની સ્કીમ મુકવામાં આવી હતી. આ સ્કીમ હેઠળ કુલ ૨૩૨ મકાનો બનાવવાના હતા જે પૈકી હાલમાં ૩૫ મકાનોના પજેસન આપી દેવામાં આવ્યા હતા જયારે ૮૪ મકાનોનું બાંધકામ ચાલી રહ્યું હતું. આ આખે આખી સ્કીમ ગેરકાયદેસર હોવાનું બહાર આવતા બૌડા દ્વારા અવાર નવાર નોટીસ પાઠવવામાં આવી હતી. એક વર્ષ અગાઉથી આ અંગેની નોટીસ આપવામાં આવી હતી છતાં બાંધકામ શરુ રાખવામાં આવ્યું હતું. જેના પગલે આજરોજ બૌડાનું બુલડોઝર પહોચ્યુ હતું અને બાંધકામ ચાલી રહેલ ૮૪ મકાનો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અંગે બૌડાના અધિકારી રીતેશ અમીને જણાવ્યું હતું કે આ વિસ્તાર ઇન્સ્ટીટ્યુશનલ ઝોનમાં આવી રહ્યો છે અને તેથી અહી રહેણાંક વિસ્તાર ન હોઈ શકે ઉપરાંત કોન્ટ્રાકટરે બૌડા દ્વારા લગાવવામાં આવેલ બોર્ડ પણ ઢાંકી દેવામાં આવ્યું હતું અને કામ ચાલુ રાખવામાં આવ્યું હતું જેના પગલે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ જે ૩૫ મકાનોના પજેસન આપવામાં આવ્યા છે તેઓ પોતાના મકાનો નિયમિત કરવા માટેની કાર્યવાહી કરશે. આખે આખી સ્કીમ પર બુલડોઝર ફેરવી દેવાતા ગેરકાયદેસર રીતે સ્કીમ મુકનાર કોન્ટ્રાકટરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.