- પોલીસે બે મોબાઈલ ચોર સહીત ખરીદનાર ઈસમને ઝડપી પાડ્યો
- ૧૮ ફોન મળી કુલ ૯૮ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરાઈ
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોએ અંકલેશ્વર ખાતેથી ચોરીના 18 મોબાઈલ સાથે 3 ઇસમોને ઝડપી પડ્યા હતા. આ ઇસમોએ અંકલેશ્વર તાલુકાનાં કોસમડી ગામેથી મોબાઈલ ચોરી કરી હતી. અને તેની ફરિયાદ બાદ તેઓ પોલીસને હાથે લાગ્યા હતા.

ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ મિલકત સંબંધિત ગુનાઓ ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ હેઠળ શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના કોસમડી ગામની લાલ કોલોનીના મકાન નંબર-૩૫માં રહેતા સુનીલકુમાર બાબુ પટેલનો ૧૪ હજારનો ફોન ચોરી કરનાર બે ઈસમો પ્રતિન ચોકડી પાસે ફરી રહ્યા છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બે ઈસમોને પકડી પાડી તેઓ પાસે રહેલ ફોન અંગે પુછપરછ કરતા તેઓએ કોઈપણ જાતના દસ્તાવેજો કે આધાર પુરાવા રજુ નહિ કરતા પોલીસે બંને ઈસમોની વધુ પુછપરછ કરતા તે ચોરી કરી લાવ્યા હોવાનું જણાવ્યું હતું અને આ ચોરીના ફોન તેઓ મોબાઈલની દુકાન ધરાવતા દુકાનદારને વેચી દેતા હોવાનું કબૂલ કર્યું હતું પોલીસે વાલિયાના કોંઢ ખાતે રહેતા સુનીલ પરબત નાયક,જય ઉર્ફે જયકાંત સુભાષ સલાટ તેમજ ખરીદનાર વસીમ અહેમદ અંજાર અહેમદ સૈયદની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ ઈસમો રાત્રીના સમયે મકાનોના ખુલ્લા દરવાજા મારફતે મકાનમાં પ્રવેશી ચોરીની ઘટનાને અંજામ આપતા હોવાની વૃત્તિ ધરાવે છે.