Published By : Parul Patel
- એગ્રો કેમિકલ્સ બનાવતી અને 90 દેશો સાથે વેપાર કરતી કંપનીમાં ધડાકાનું કંપન આજુ બાજુની કંપનીમાં પણ અનુભવાયું
- કાટમાળના ટુકડા ઉડતા કામદારો સહિતના ઇજાગ્રસ્ત આગની ઘટના નહિ…
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી ટેગરોસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગુરૂવારે મધરાતે થયેલા બ્લાસ્ટથી 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઉત્પાદન પ્રક્રિયા વેળા પ્રેશર વધી જતાં ધડાકો થયો હોવાનું બહાર આવી રહ્યું છે.
ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક અકસ્માતોની ઘટનાઓએ ચિંતાજનક સ્વરૂપ ધારણ કર્યું છે. કેમિકલ કંપનીઓમાં એક પછી એક બનતી આ ઘટનાઓ ઉદ્યોગોમાં સુરક્ષાએ અને સલામતીના પગલાંઓમાં ક્યાંક કચાશ રહતી હોવાનો ઈશારો કરે છે.
એક સપ્તહમાં આજે ત્રીજી ઘટનાએ તંત્રને દોડતું કર્યું છે. ગુરુવારે મોડી રાતે અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી ટેગરોસ કેમિકેલ્સ પ્રાઇવેટ લિમિટેડના પ્લાન્ટમાં ધડાકાની ઘટનાએ સ્થાનિકોમાં ગભરાટ ફેલાવ્યો હતો. મશનરીમાં ધડાકો એટલો પ્રચંડ હતો કે કંપનીને અડીને રહેતા શ્રમજીવીઓ અને આસપાસની કંપનીઓમાં કંપન અનુભવાયું હતું.
આ ઘટનામાં 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર આપવામાં આવી રહી છે. ઇજાગ્રસ્તોમાં નાના બાળકનો પણ સમાવેશ થાય છે. જે કંપની નજીક શ્રમજીવીઓ સાથે સૂતુ હતું ત્યારે તેના ઉપર કાટમાળનો ટુકડો પડ્યો હતો.
કંપની અંકલેશ્વર ઉપરાંત પાનોલી અને દહેજ ઉપરાંત ચેન્નાઇમાં પણ યુનિટ ધરાવે છે. જે ભરૂચમાં 30 વર્ષથી કાર્યરત અને એગ્રો કેમિકલ્સમાં 90 દેશો સાથે વેપાર ધરાવે છે.
એક સપ્તાહમાં ઔદ્યોગિક એકમમાં અકસ્માતનો આ ત્રીજો બનાવ છે. જુલાઈ મહિનામાં ત્રીજી તારીખે અંકલેશ્વર જીઆઇડીસીમા જ આવેલી કાકડીયા કેમિકલ કંપનીના પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેના ઉપર ભારે જહેમત બાદ DPMC ના ફાયર બ્રિગેડે કાબુ મેળવ્યો હતો. પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ આગ ફાટી હતી. ઘટના સમયે પ્લાન્ટમાં એસિડ લીકેજ થતા ફાયરબ્રિગેડ અને સ્થાનિકોએ આંખમાં બળતરાની તકલીફ અનુભવી હતી.
જે બાદ 5 જુલાઈએ દહેજ જીઆઇડીસીમાં આવેલી લુના કેમિકલ કંપનીમાં પણ આગની ઘટના સામે આવી હતી. કંપનીના પ્લાન્ટમાં ભીષણ આગ લાગી હતી જેને બુઝાવવા કંપનીની ફાયર સેફટી સિસ્ટમ પૂરતી સાબિત ન થતા આસપાસના એકમો અને જીઆઇડીસી નોટીફાઈડ એરિયા ઓથોરીટી સંચાલિત ફાયર બ્રિગેડને મદદ માટે કોલ અપાયો હતો. આગની ઘટનામાં કોઈ જાનહાની નોંધવા પામી નથી, પરંતુ પ્લાન્ટને મોટું નુકસાન પહોંચ્યું હતું.