- પાલિકાની ટીમ સાથે માથાકૂટ કરી બે મહિલા પશુઓને છોડાવી પલાયન
- સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ
- શું પશુ પાલકો તંત્રને ગાંઠતા નથી?
માર્ગ ઉપર પશુઓને રખડતાં મૂકી દેનાર પશુપાલકો સામે કડક રહે કાર્યવાહી કરવાની તજવીજ તો હાથ ધરવામાં આવી રહી છે પરંતુ માથાભારે પશુપાલકો મહિલાઓને આગળ ધરી તંત્ર સામે બાંયો ચઢાવી રહ્યા છે. અંકલેશ્વર ખાતે આવી જ એક ઘટના સામે આવી છે જેમાં મહિલાઓએ દાદાગીરી કરી દંડ ભર્યા વગર પશુઓને છોડવી લીધા હતા.
રસ્તે રઝળતા પશુઓને પગલે અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો છે સાથે પશુઓ દ્વારા વાહન ચાલકો અને રાહદારીઓ ઉપર હુમલાની ઘટનાઓ બાદ હાઈકોર્ટ દ્વારા રસ્તે રખડતા પશુઓને પકડવા ટકોર કરવામાં આવી છે ત્યારે અંકલેશ્વર નગર પાલિકાના સેનેટરી ઇન્સ્પેકટર રઘુવીરસિંહ મહીડા દ્વારા ટીમ બનાવી અભિયાન હાથ ધરાયું છે ચાર દિવસના અભિયાનમાં ૧૧ જેટલા પશુઓને પાંજરે પૂરી તેઓને દીવા ગ્રામ પંચાયતના પશુ ડબ્બામાં ખસેડવામાં આવ્યા છે અને નગર પાલિકા દ્વારા તે અંગે રીસીપ્ટ બનાવવામાં આવી છે જે પશુઓને છોડાવવા માટે પશુ પાલકે નગર પાલિકા અને ગ્રામ પંચાયતનો અલગ અલગ ચાર્જ ચૂકવી પશુઓ લઇ જઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે રખડતા પશુઓને પકડવાના અભિયાનમાં ગયેલ ટીમ સાથે મહિલા પશુ પાલકોએ માથાકૂટ કરી પાંજરામાંથી પશુઓ લઇ ફરાર થઇ ગઈ હતી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે અત્રે ઉલ્લેખનીય છે કે શું પશુ પાલકો તંત્રને ગાંઠતા નથી તેવા સવાલો ખડા થયા છે તેવા સમયે તંત્ર દ્વારા માલિકો સામે પણ કડક રાહે પગલા ભરવામાં આવે તે અત્યંત જરૂરી છે.