- ગતરોજ સાંજે યુવાનને અકસ્માત નડ્યા બાદ સરકારી દવાખાનામાં સારવાર નહી મળી હોવાના આક્ષેપ
- આજરોજ પાલિકા પ્રમુખને આવેદન પત્ર પાઠવી ૨૪ કલાક ઈમરજન્સી માટે શરૂ કરવાની માંગ
અંકલેશ્વરના દીવા રોડ ઉપર ગતરોજ સાંજે અકસ્માત નડ્યા બાદ નગરપાલિકા સંચાલિત સરકારી દવાખાનામાં સારવાર નહિ મળતા આજ રોજ આવેદનપત્ર પાઠવી ૨૪ કલાકમાં સારવાર કેન્દ્ર શરૂ નહિ કરવામાં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/09/CIVIL-HOSPITAL-2.png)
ગતરોજ અંકલેશ્વરના દીવા રોડ ઉપર માનવ અજયભાઈ મોદીને અકસ્માત નડ્યો હતો જેને તાત્કાલિક સારવાર માટે નગરપાલિકા સંચાલિત સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને સારવાર નહિ મળતા તેના મિત્રો અને પરિવારજનોએ રોષ ઠાલવ્યો હતો. આ સરકારી દવાખાના સવારે ૭ થી સાંજે ૭ સુધી જ કાર્યરત હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ આજરોજ યુવાનોએ નગરપાલિકા કચેરી ખાતે પાલિકા પ્રમુખ વિનય વસાવાને આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર આ સરકારી દવાખાનું પાલિકા વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગ માટે કાર્યરત છે પરંતુ સેવાઓના અભાવે લોકો હેરાન-પરેશાન બન્યા છે ત્યારે આ સરકારી દવાખાનું રાબેતા મુજબ ૨૪ કલાક સુધી નહિ ચાલુ કરવામાં આવે તો તાળા બંધીની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.