Published by : Anu Shukla
- મૃતક વિદ્યાર્થી અંકલેશ્વરની લાયન્સ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો
અંકલેશ્વર નજીક હાઇવે પર અત્રેની લાયન્સ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને નડેલા ગમખવાર અકસ્માતમાં મોત નીપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.
અંકલેશ્વર નજીક સ્ક્રેપ માર્કેટ પાસે હાઇવે પર થી બાઈક પર પસાર થતા અત્રેની લાયન્સ સ્કૂલમાં ધો.૧૧માં અભ્યાસ કરતા રેહાન બદાત(ઉં.વ. આશરે ૧૭)ડમ્પરની અડફેટે આવી જતા તેનુ ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યુ હતુ.આ ગમખવાર અકસ્માતમાં મૃતકની બાઈક ડમ્પરની નીચે આવી જતા ડમ્પર ચાલક દૂર સુધી ઘસડી ગયો હતો.
અકસ્માતને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા એકત્ર થઇ જતા લાંબા સમય માટે હાઇવે પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય હતી. તો રોષે ભરાયેલા લોકોના ટોળાએ ડમ્પરના કાચ તોડી નાંખ્યા હતા તેમજ ડમ્પર ચાલકને ઢોર માર મારી અધમુવો કરી નાંખ્યો હતો.

બનાવ અંગેની જાણ મોડેથી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતકની લાશનો કબ્જો મેળવી તેને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો હતો તેમજ વાહન વ્યવહારને પૂર્વવત કરવા ભારે જહેમત ઉપાડી હતી. તો પોલીસે ડમ્પર ચાલકને પણ સારવાર અર્થે ખસેડ્યો હતો.