Published By : Parul Patel
- ભૂજથી મહિલા કુળદેવીના દર્શન કરી પરત ફરતા લિફ્ટમાં 3 મહિલાઓએ ધક્કામુક્કી કરી
- લિફ્ટનો દરવાજો ખુલતા સાડા 4 તોલાનું મંગળસૂત્ર અને રોકડા 15 હજાર ભરેલ પર્સ તફડાવાયું
અંકલેશ્વરની મહિલા ભુજથી કૂળદેવીના દર્શન કરી પરત રેલવે સ્ટેશને લિફ્ટમાંથી બહાર નીકળતા જ 3 મહિલાએ ધક્કામુક્કી કરી ₹2.40 લાખ ભરેલી મત્તા આંચકી એક મહિલા ફરાર થઇ ગઇ હતી.
અંકલેશ્વરની શાંતિતિર્થ રેસિડેન્સીમાં રહેતા મંજુલાબેન ભાનુંશાલી 19મીએ ભુજ કુળદેવીના દર્શન કરવા ગયા હતા. જ્યાંથી દર્શન કરી તેઓ કચ્છ એકપ્રેસમાં 23મીએ પરત આવી રહ્યાં હતાં.
શનિવારે સવારે ટ્રેન અંકલેશ્વર સ્ટેશને પોહચતા મહિલા સામાન સાથે પ્લેટફોર્મ નંબર 2 પર આવેલી લિફ્ટમાં ગયા હતા. લિફ્ટ ખુલતા તેઓ જીઆઇડીસી ગેટ તરફ જવા નીકળતા હતા ત્યારે જ લિફ્ટમાં રહેલ 3 મહિલાએ તેમની સાથે ધક્કામુક્કી કરી હતી.
મોકાનો લાભ લઇ એક મહિલાએ મહિલા પેસેન્જરના ખભે ભેરવેલ હેન્ડ બેગ ખેંચી લીધું હતું. જે લઈ નાસી છૂટી હતી. હેન્ડ બેગમાં સાડા ચાર તોલાનું મંગળસૂત્ર, રોકડા 15200 સહિત 2.40 લાખની મત્તાની તફડંચી અંગે ભરૂચ રેલવે પોલીસ મથકે ગુનો દાખલ કરાવાયો છે.