Published by : Vanshika Gor
ગુજરાતના પ્રખ્યાત દેવસ્થાન અંબાજી મંદિરમાં છેલ્લાં 50 વર્ષથી એક જ પ્રકારનો પ્રસાદ મળતો હતો. આ પ્રસાદ મંદિરની ઓળખ હતી. પ્રસાદ હાથમાં જ મૂકતા અને મોઢામાં ઓગળી જાય એટલે લોકો સમજી જાય પણ કે આ અંબાજીનો પ્રસાદ છે. પંરતુ હવે અંબાજી મંદિરના આ પ્રસાદની ઓળખ ભૂંસવાનો પ્રયાસ થઈ રહ્યો છે. શક્તિપીઠ અંબાજી મંદિરમાં હવેથી મોહનથાળનો પ્રસાદ નહીં મળે. ટ્રસ્ટના આ નિર્ણયથી કરોડો માઈભક્તોની લાગણી દુભાઈ છે. તેથી હવે આ નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે. અંબાજી મંદિરમાં મોહનથાળ બંધ થવાના નિર્ણયનો ગામ લોકોએ વિરોધ કર્યો છે.
મોહનથાળને બદલે ચીક્કીનો પ્રસાદ કરાયો
શક્તિપીઠ અંબાજી મંદિરમાં હવેથી મોહનથાળનો પ્રસાદ નહીં મળે. અંબાજીમાં હવેથી મોહનથાળના બદલે ભક્તોને ચીકીનો પ્રસાદ મળશે. ચીકીનો પ્રસાદ સુકો હોવાથી ત્રણ માસ સુધી પણ ચાલી શકે જેને લઈને નિર્ણય લેવાયો છે. સૂકા પ્રસાદની ઘણી રજૂઆતો અને મંતવ્યો બાદ નિર્ણય કરાયો છે.
પ્રસાદ ફરી ચાલુ નહિ થાય તો ઉગ્ર આંદોલન કરશે
અંબાજી ગામમા આવેલ હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા અંબાજી મંદિરમાં પ્રસાદ બદલવાના નિર્ણયનો વિરોધ કરાયો છે. આ માટે પ્રદર્શન કરાયું. તેમજ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને 48 કલાકનું અલ્ટીમેટમ અપાયું છે. હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા 48 કલાકમાં ફરી મોહનથાળ મંદિરમાં ચાલુ કરવા માંગ કરાઈ છે. અને જો 48 કલાકમાં મોહનથાળ ફરી ચાલુ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી અપાઈ છે. હિન્દુ હિત રક્ષા સમિતિના કાર્યકર્તાઓ સાથે ગામ લોકો રાત્રે પણ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. તેઓએ ચીમકી આપી કે, અંબાજી બંધ રાખવું પડે કે ભૂખ હડતાળ કરવી પડે તો પણ અમે તમામ પ્રકારે વિરોધ દર્શાવીશું. અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદ ફરી ચાલુ કરવા હિન્દુ હિત રક્ષા સમિતિએ પ્રબળ માંગ કરી છે. પ્રસાદ ફરી ચાલુ નહીં થાય તો અંબાજી ગામને બંધ રાખી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે. જે મોહનથાળ એક આસ્થાનો ભાગ બની ગયું છે ત્યારે મોહનથાળનો પ્રસાદ બંધ ન કરવામાં આવે તેવી માંગ પ્રવર્તી રહી છે.