Published by : Vanshika Gor
બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે મુંબઈમાં અપકમિંગ ફિલ્મ ‘સેલ્ફી’ના પ્રમોશન દરમિયાન એક ઇવેન્ટમાં ત્રણ મિનિટથી વધુ સમય સુધી સેલ્ફી લેવાનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. એક્ટરે સો.મીડિયામાં આ અંગેની તસવીરો શૅર કરી હતી અને આ સાથે જ અક્ષયે ચાહકોનો આભાર માન્યો હતો.
અક્ષય કુમારે 3 મિનિટમાં 184 સેલ્ફી ક્લિક કરી
ઇવેન્ટમાં અક્ષય કુમાર ઓરેન્જ જમ્પ સૂટમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે સ્ટેજ પર 184 સેલ્ફી ક્લિક કરી હતી. અક્ષયે સો.મીડિયામાં તસવીરો શૅર કરીને કહ્યું હતું, ‘મેં આજ સુધી જે પણ મેળવ્યું છે અને જીવનમાં જ્યાં પણ છું તે મારા ચાહકોના બિનશરતી પ્રેમને કારણે છું. આ તેમના માટે મારા તરફથી ખાસ ટ્રિબ્યૂટ છે.’
વધુમાં અક્ષયે કહ્યું હતું, ‘મારા ચાહકોની મદદથી અમે 3 મિનિટમાં સૌથી વધુ સેલ્ફી લેવાનો ગિનીઝ રેકોર્ડ તોડી નાખ્યો છે. તમામનો આભાર. આ ઘણું જ ખાસ હતું અને હું હંમેશાં આ યાદ રાખીશ, હવે સેલ્ફી જ સેલ્ફી હશે. તમામને શુક્રવારે થિયેટરમાં મળીએ.
ચાહકોએ શુભેચ્છા પાઠવી
અક્ષયની આ પોસ્ટ જોઈને ચાહકોથી લઈ સેલેબ્સે શુભેચ્છા પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે અક્ષય કુમારની ફિલ્મ ‘સેલ્ફી’ 24 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે. ચાહકોએ એ વાત નોટિસ કરી હતી કે અક્ષયે ‘સેલ્ફી’ના પ્રમોશનમાં જે કપડાં પહેર્યા હતા તે જ કપડાં તેણે ‘લક્ષ્મી’ ફિલ્મના પ્રમોશન દરમિયાન પહેર્યા હતા. ઉલ્લેખનીય છે કે અક્ષય પહેલાં આ રેકોર્ડ ડ્વેન જોનસને બનાવ્યો હતો. 2015માં તેણે ત્રણ મિનિટમાં 105 સેલ્ફી ક્લિક કરી હતી.