- અક્ષય કુમારની ફિલ્મ ‘કઠપૂતલી’ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે.
- ફિલ્મનું નિર્દેશન ‘બેલ બોટમ’ના ડાયરેક્ટર રંજીત એમ તિવારીએ કર્યું છે.
એક્ટર: અક્ષય કુમાર, રકુલ પ્રીત સિંહ, સરગુન મહેતા, ચંદ્રચૂડ સિંહ
ડાયરેક્ટર: રંજીત એમ. તિવારી
શ્રેણી: સાયકોલોજીકલ થ્રિલર, સસ્પેન્સ, હિન્દી
સમય: 2 કલાક 5 મિનિટ
રેટિંગ: 3/5
અક્ષય કુમાર ફરી એકવાર સાઉથની ફિલ્મની રિમેક લઈને આવી ગયો છે. ‘કઠપૂતલી’ (Cuttputlli) તમિલ ફિલ્મ ‘રતાસન’ની હિન્દી રિમેક છે. તમિલ ફિલ્મ ‘રતાસન’ 2018માં રિલીઝ થઈ હતી અને હિટ હતી. કોઈપણ ફિલ્મની રિમેક બનાવવામાં સૌથી મોટો પડકાર એ હોય છે કે તે ફિલ્મની નકલ ના લાગે. ‘કઠપૂતલી’માં આ જ સૌથી મોટું જોખમ હતું જેને મેકર્સે ઉઠાવ્યું પરંતુ શું તેઓ સફળ રહ્યા?

‘કઠપૂતલી’ની વાર્તા
ફિલ્મની વાર્તા શરૂ થાય છે કસૌલીના સુંદર નજારા સાથે. જેને મેકર્સ કસૌલી ગણાવી રહ્યા છે તે વાસ્તવમાં લંડન છે. શહેરમાં સીરિયલ કિલરને લઈને ભયનો માહોલ છે. પ્લાસ્ટિક બેગમાં એક બોડી મળી છે જેની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં જોડાયેલી છે. બીજો સીન છે અર્જન સેઠી (અક્ષય કુમાર)ના સપનાનો. તે પોલીસવાળાનો છોકરો છે અને તેના પિતા ગુજરી ગયા છે. તેના પરિવારમાં બહેન અને જીજાજીનો પરિવાર છે. તેઓ ચંડીગઢમાં ભાડે રહે છે. તે વર્ષોથી સાયકો થ્રિલર ફિલ્મ બનાવવા માગે છે. સાત વર્ષથી દેસ-વિદેશના બધા જ સાઈકોપેથ ગુનેગારો પર રિસર્ચ કરી રહ્યો છે અને દમદાર ફિલ્મ બનાવવા માગે છે. પરંતુ વર્ષોના સંઘર્ષ પછી પણ ફિલ્મ બનાવવાનું સપનું ઠેરનું ઠેર છે કારણ કે કોઈ પ્રોડ્યુસર ફિલ્મ બનાવવા રાજી નથી. પછી તેની બહેનના કહેવા પર અર્જન પોલીસમાં ભરતી થઈ જાય છે અને ચંડીગઢથી કસૌલી શિફ્ટ થઈ જાય છે. બાદમાં કસૌલીમાં થઈ રહેલી એક પછી એક હત્યાનો ભેદ ઉકેલવામાં જોડાઈ જાય છે. અત્યાર સુધી તમને ફિલ્મની વાર્તા સિમ્પલ લાગી હશે પરંતુ દેખાય છે એટલી સરળ નથી. વાર્તા ડાયરેક્ટર બનવાની નહીં પણ શહેરમાં થઈ રહેલી એક પછી એક હત્યાની છે. આખરે સીરિયલ કિલર કોણ છે ? કેમ તે બાળકીઓને ક્રૂરતાથી મોત આપી રહ્યો છે ? આ સવાલોના જવાબ અક્ષય કુમાર ફિલ્મમાં શોધે છે.
રિવ્યૂ
અક્ષય કુમાર પહેલા કેટલીય વાર વરદીમાં જોવા મળી ચૂક્યો છે. હંમેશાથી તે આ રોલમાં જામે છે અને સારી રીતે નિભાવે છે. જો કે, અક્ષય તાજેતરમાં રિલીઝ થયેલી તેની ફિલ્મો કરતાં અલગ અંદાજમાં દેખાઈ રહ્યો છે. ફિલ્મમાં કેટલીક જગ્યાએ હળવી પંચલાઈન પણ છે જેના માટે અક્ષય જ ફિટ હોય તેવું લાગે છે. એક સીન એવો છે જેમાં ચંદ્રચૂડ સિંહ અને અક્ષય કુમાર અંગત વ્યક્તિના મોત પર ચોધાર આંસુએ રડે છે. આશરે 3-4 મિનિટનો આ સીન નકલી હોય તેનું લાગે છે અને દર્શકોને હસવા પર મજબૂર કરી શકે છે. ટીવી એક્ટ્રેસ સરગુન મહેતાએ આ ફિલ્મથી બોલિવુડ ડેબ્યૂ કર્યું છે. ડેબ્યૂ ફિલ્મમાં જ તેણે દમદાર અભિનયથી દિલ જીત્યા છે. તેનો એટિટ્યૂડ કમાલનો છે. ચંદ્રચૂડ અને રકુલપ્રીત હંમેશાની જેમ સામાન્ય લાગ્યા હતા.
ટેક્નિકલ પાસું
ફિલ્મની વાર્તાની શરૂઆત ધીમી થાય છે. શરૂઆતની 20 મિનિટ ફિલ્મને સેટ કરવામાં લાગે છે. જ્યારે વાર્તા મધ્યાંતર સુધી પહોંચે છે ત્યાં સુધીમાં રસ જાગવા માંડે છે. બેકગ્રાઉન્ડ મ્યૂઝિક સસ્પેન્સ અને રોમાંચ પેદા કરે છે. જો કે, ફિલ્મ સાથે અપેક્ષાઓ વધે છે તેમ જાણે મેકર્સે હાથ અધ્ધર કરી દીધા હોય એવું લાગે છે. ખૂબ સરળતાથી ખબર પડી જાય છે કે હત્યારો કોણ છે. એવું લાગે છે કે વિના કારણે ફિલ્મને ગોળગોળ ફેરવી અને છેલ્લે કંઈ ના મળ્યું. કેટલાક દ્રશ્યો અત્યંત નબળા લાગે છે, જેમકે વિલને રકુલપ્રીત સિંહ કુહાડીથી પ્રહાર કર્યો હતો પરંતુ થોડી જ ક્ષણો પછી તે સાજી થઈને અક્ષય અને બાળકીને બચાવવા આવે છે. એડિટિંગમાં પણ થોડી વધુ મહેનતની જરૂર હતી.
જોવી કે નહીં?
જો તમે તમિલ ફિલ્મ ‘રતાસન’ જોઈ હશે તો તમને ‘કઠપૂતલી’ નિરાશ કરશે. પરંતુ જો તમે ઓરિજિનલ ફિલ્મ નહીં જોઈ હોય તો આ ફિલ્મ પચાવી શકશો.