Published by : Rana Kajal
પાટડી પથંકમાં નૂતન વર્ષના પ્રથમ દિવસે ગોવાળ પાછળ ગાય દોડાવવાની આશરે 150 વર્ષ જૂની પરંપરા આજેય અકબંધ જણાઈ રહી છે.આ અજબ ગજબની પરંપરા અંગે વિગતે જોતાં પાટડી પથંકના પાટડી સહિત ધામા, નગવાડા અને પાનવા સહિતના રણકાંઠાના ગામોમાં 150 વર્ષથી એટલે કે રાજા રજવાડાના સમયથી ચાલી આવતી અનોખી પરંપરા મુજબ નૂતન વર્ષની વહેલી સવારે ગામના ભાગોળે ગાયોની દોડ હરીફાઇ યોજાઇ હતી. જેમાં બેસતા વર્ષે 300થી વધારે ગાયોના શીંગડાઓમાં ઘી લગાડવાની સાથે પરંપરાગત રીતે એમનો શણગાર કરી જૂથ પ્રમાણે ગોવાળ સાથે દોડાવવામાં આવી હતી. આ અનોખી હરીફાઇમાં પ્રથમ આવનાર ગાયના ગોવાળને પાઘડી પહેરાવીને આગવી રીતે સન્માન પણ કરાયું હતુ.
હાલ ભલે ડીજીટલ યુગ હોય પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ પ્રાચિન પરંપરાઓ જીવંત છે. આવી જ એક પ્રથા સુરેન્દ્રનગર જિલ્લાના રણકાંઠા વિસ્તારમાં આવેલા પાટડી, ધામા, નગવાડા અને પાનવા સહિતના ગામમાં બેસતા વર્ષના દિવસે ગાયો દોડાવવાની છે. ગોવાળો સાથે ગાયો દોડાવવી એ આ ગામના બેસતા વર્ષનું સૌથી મોટું આકર્ષણ છે.
ગામની મહિલાઓ, પુરુષો અને બાળકો વહેલી સવારે જાગીને એક બીજાના ઘરે જઇને નવા વર્ષની શુભકામના પાઠવે છે. આ પ્રથા પાટડી તાલુકાના વડગામ, આદરીયાણા જેવા ગામોમાં પણ જોવા મળે છે. પરંતુ આ વિસ્તારમાં પાટડી અને ધામા ગામની પ્રથા સૌથી જૂની હોવાનું માનવાય છે.ગામના ચાર રસ્તા અને બજારમાં પણ એક બીજાને મળવાની પ્રથા છે, જેને રામ રામ કર્યા એવું કહેવામાં આવે છે