સામાન્ય રીતે જેસીબી મકાનને તોડવાના અને અન્ય કામો માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ જેસીબીના ઉપયોગથી પ્રસાદીના સ્વાદિષ્ટ ચુરમુ બનાવાઇ રહ્યુ હોવાની વિગતો સપાટી પર આવી રહી છે.જેસીબી મશીન, થ્રેસર, ટ્રેક્ટર-ટ્રોલી, પાવડા અને 100થી વધુ લોકો પ્રસાદ તૈયાર કરવાના કામમા લાગેલા છે. આ બધા લોકો ધાર્મિક પ્રસંગનુ આયોજન કરી રહ્યા છે અને આ તમામ મશીનોથી અહીં ચુરમું બનાવવામાં આવી રહ્યું છે. તે પણ 50, 100 કે 200 ક્વિંટલ નહીં, પણ પુરુ 350 ક્વિંટલ. એટલું બધું કે અહીં ચુરમાના પહાડ ખડકાઈ ગયા છે. રાજસ્થાનના જયપુરના કોટપુતલી ખાતે 30 જાન્યુઆરી, સોમવારે કુહાડાના છાપલા ભૈરુજી મંદિરમાં લક્ખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે આ મેળામાં લાખો લોકો આવે છે. ભૈરુજીને ખાસ પ્રસાદીમાં ચૂરમું ચઢાવવામાં આવે છે. જે અંગે એક મહિનાથી તૈયારીઓ ચાલી રહી છે. આ માટે આ વખતે 50 વીઘાથી વધુ વિસ્તારમાં પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે.
આ વર્ષે મેળામાં 2 લાખથી વધુ ભક્તો આવવાની આશા છે. જેથી 350 ક્વિન્ટલ ચુરમું તૈયાર કરવામાં આવ્યું છે. આ ચુરમું બનાવવા માટે 100 લોકોની ટીમ કામ કરી રહી છે. તેને રોટ દ્વારા બનાવવામાં આવી રહી છે. આ રોટને ગાયના છાણામાં શેકવામાં આવી છે. રોટ સારી રીતે પીસાઈ જાય છે, તે માટે ખેતીમાં ઉપયોગમાં લેવાતા થ્રેસર મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
વધુ વિગતે જોતા પ્રથમ લોટમાંથી મોટી-મોટી બાટી બનાવવામાં આવે છે. બાટીઓને હાર્વેસ્ટર થ્રેસર મશીનમાં પીસવામાં કરવામાં આવી હતી. આ પછી ચુરમામાં ખાંડ, ડ્રાયફ્રૂટ્સ અને અન્ય ચીજોને ભેળવવા માટે જેસીબી મંગાવવામાં આવ્યું હતું. આ ચુરમામાં લગભગ 750 કિલો કાજુ-બદામ મિક્સ કરવામાં આવ્યા હતા. શુક્રવારે ચુરમું તૈયાર થઈ ગયું છે. હવે આજે શનિવારે તેમાં ઘી મિક્સ કરવામાં આવશે. જ્યારે ચુરમામાં વાત ઘીની આવે તો તેમાં કોઈ કમી ન હોવી જોઈએ. એટલા માટે આ આખા ચુરમામાં લગભગ 26 ક્વિન્ટલ ઘી નાંખવામાં આવશે.
ચુરમું બનાવવામાં ત્રણથી ચાર દિવસ લાગે છે. ઘણા લોકોની ટીમો તેને મશીનો વડે તૈયાર કરે છે. ખાસ વાત એ છે કે આ મશીનોનો ઉપયોગ કરતા પહેલા સંપૂર્ણપણે ધોઈને સાફ કરવામાં આવે છે. તેને પાણીથી સારી રીતે ધોવામાં આવે છે. આ પછી, જે લોકો ચુરમું બનાવવા માટે ટેકરીઓ પર ચઢે છે, તેમના પગે પણ કપડા અને પોલીથીન પહેરીને ઢાંકવામાં આવે છે.